Mysamachar.in:ગાંધીનગર
આજે ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારીઓ અને નિયામક જિલ્લા ગ્રામ વિકાસ અધિકારઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે બેઠકના અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે, ગ્રામજનોનો સર્વાંગી વિકાસ થાય એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. ગ્રામજનોનું જીવનધોરણ સુધારવા તથા વિકાસ કાર્યોમાં તેમને અસરકારક રીતે સામેલ કરવા માટેની વ્યૂહરચના, નીતિ અને પરિયોજનાઓની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પણ મંત્રીએ આપ્યું હતું.
મંત્રીએ ગ્રામજનોના આર્થિક ઉત્થાન માટે સૌને ગામમાં રોજગારી મળી રહે તે માટે મનરેગા યોજના સંદર્ભે પણ ચર્ચા કરી તાલુકાવાર થઈ રહેલ કામોની સમીક્ષા પણ કરી હતી. દરેક તાલુકામાં રમત ગમતના ૧૦ મેદાનો બનાવવામાં આવે તથા દરિયા કિનારાના વિસ્તારોમાં મનરેગા યોજના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા પણ મંત્રીએ સૂચન કર્યું હતું. ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, જીએલપીસી, વોટર શેડ તથા સ્વચ્છ ભારત મિશન વિષયે સવિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ગ્રામ વિકાસ વિભાગની સિદ્ધિઓ તથા તમામ જિલ્લાઓના એક્શન પ્લાન સંદર્ભે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.
આ બેઠકમાં ‘LoKOS’ મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરાયું હતું. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) સમગ્ર રાજ્યમાં DAY-NRLM યોજના હેઠળ LokOS એપ્લિકેશન રોલ-આઉટ કરી રહી છે. આ એપ્લિકેશન તમામ સ્વ-સહાય જૂથો, ગ્રામ સંગઠનો, ક્લસ્ટર લેવલ ફેડરેશન અને આજીવિકા સબંધિત માહિતી “પ્રોફાઇલ” અને “ટ્રાન્ઝેક્શન્સ” એવા બે વિભાગોમાં એકત્રિત કરશે જે આ એપ્લીકેશનની મુખ્ય વિશેષતા છે.
આ બેઠકમાં ગ્રામ વિકાસ વિભાગની વિવિધ જનહિતલક્ષી યોજનાઓની અને એસબીએમની સાફલ્યગાથાની પુસ્તિકાનું પણ વિમોચન કરાયું હતું. આ બેઠકમાં ગ્રામ વિકાસ સચિવ અને કમિશનર મનીષા ચંદ્રા, અધિક ગ્રામ વિકાસ કમિશ્નર વિશાલ ગુપ્તા, રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ, નિયામકઓ અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ જામનગર જીલ્લા ભાજપ મીડિયા સેલના કન્વીનર નરેન્દ્રસિંહ પરમારની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.