Mysamachar.in:ગાંધીનગર
થોડા મહિનાઓ કોરોના વિના લોકોએ રાહતનો શ્વાસ લીધા બાદ ફરી કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન ગુજરાતમાં વધારો થઇ રહ્યો છે, ગુજરાતમાં કોરોનાના કેસ દરરોજ 500ની નજીક પહોંચવા આવ્યા છે, ત્યારે રાજ્યમાં કોરોના મોટું સ્વરૂપ ધારણ ના કરે તેના માટે સરકાર સતર્ક બની છે,
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિ અને તે સામે આરોગ્યતંત્રની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી જેમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના કેસો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે ગોઠવી છે, તેની આ બેઠકમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આગામી 10 અને 11 એપ્રિલના દિવસોએ રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવશે. આ મોકડ્રીલ અંતર્ગત તમામ સાધન સામગ્રી, બેડ, ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર્સ, ફાયર સેફટી તેમજ દવાઓ, માનવ બલ વગેરેની સજ્જતા ચકાસણી કરવામાં આવશે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલોમાં દવા વગેરેના પુરવઠાની પણ સમીક્ષા હાથ ધરી હતી. આયુર્વેદિક વિભાગ દ્વારા પણ ઉકાળા વિતરણ અને હોમિયોપેથી દવાનું વિતરણ રાજ્યમાં કરવામાં આવે છે તેમ આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેઠકમાં જણાવ્યું કે કોરોના સામે ગભરાટ કે ડર વિના સાવચેતી સલામતી રાખવા લોકોને કોરોના એપ્રોપ્રિએટ બીહેવીયર માટે જાગૃત કરવા જરૂરી છે. ઉંમરલાયક વ્યક્તિઓ અને દર્દીઓએ જાહેર ભીડભાળવાળી જગ્યાએ ન જવા અને માસ્ક પહેરવું, ઉધરસ કે છીંક ખાતી વખતે મોં આગળ રૂમાલ રાખવો તેમજ વારંવાર હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને જાહેર સ્થળોએ થૂંકવું નહીં જેવી બાબતો અંગે લોકજાગૃતિ કેળવવા તેમણે બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.