Mysamachar.in-ગાંધીનગર:
કોઈ પણ રાજ્ય માટે શિક્ષણ અતિ મહત્વનું ક્ષેત્ર હોવા છતાં, ગુજરાતમાં શિક્ષણનાં ક્ષેત્રમાં ખાસ કરીને ખાલી જગ્યાઓ સંબંધમાં સ્થિતિ ખૂબ જ ચિંતાજનક હોવાનું વિધાનસભામાં જાહેર થયું છે. શિક્ષણમંત્રી દ્વારા આપવામાં આવેલા એક પ્રશ્નનાં જવાબમાં બહાર આવેલી વિગતો ખૂબ જ ગંભીર છે, જે શિક્ષણ પ્રત્યેની બેદરકારીનો નમૂનો લેખાવી શકાય !
રાજ્યમાં જો શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની પર્યાપ્ત સંખ્યા હોય તો, સમગ્ર શિક્ષા અભિયાનનાં સુફળો છાત્રો સુધી પહોંચી શકે, એ સમજી શકાય તેવી બાબત છે. પરંતુ હાલની સ્થિતિએ ગુજરાતમાં એ શક્ય નથી ! કેમ કે, રાજ્યભરમાં આચાર્યો અને શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી છે ! જેને પરિણામે રાજ્યમાં શિક્ષણનાં ક્ષેત્રમાં આઉટપુટ મળી રહ્યું નથી !
રાજયની સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની 29,122 જગ્યાઓ અને આચાર્યોની 3,552 જગ્યાઓ ખાલી છે ! જેને પરિણામે શિક્ષણનો સંઘ કાશીએ પહોંચતો નથી. છાત્રોનો પાયો કાચો રહી જાય છે. ઘણાં છાત્રો આ સ્થિતિને કારણે શાળાઓ છોડી પણ દે છે. કોન્ગ્રેસનાં એક ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નનાં જવાબમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આ આંકડાઓ વિધાનસભામાં આપ્યા છે.
આચાર્યો અને શિક્ષકોની કુલ મળીને રાજ્યમાં 32,674 જગ્યાઓ ખાલી છે જે પૈકી સરકારી શાળાઓમાં કુલ 20,678 જગ્યાઓ ખાલી છે. એ જ રીતે ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યો અને શિક્ષકોની 11,996 જગ્યાઓ ખાલી છે. રાજયની પ્રાથમિક શાળાઓમાં 17,500 શિક્ષકોની ભરતી તાજેતરમાં કરવામાં આવી છે.
અંગ્રેજી માધ્યમની શાળાઓ અંગે પણ વિધાનસભામાં માહિતી આપવામાં આવી…વિધાનસભામાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી કક્ષાએ અંગ્રેજી માધ્યમની એક પણ શાળા નથી. રાજ્યનાં 32 જિલ્લાઓમાં ધોરણ 9 થી 12 માટે, અંગ્રેજી માધ્યમની એક પણ સરકારી શાળા નથી ! રાજ્યનાં 31 જિલ્લાઓમાં અંગ્રેજી માધ્યમની એક પણ ગ્રાન્ટેડ શાળા નથી. રાજ્યનાં 14 જિલ્લાઓમાં અંગ્રેજી માધ્યમની એક પણ પ્રાથમિક શાળા નથી. રાજ્યનાં 17 જિલ્લાઓમાં ધોરણ 9 થી 12 માટે એક પણ ગ્રાન્ટેડ શાળા અંગ્રેજી માધ્યમની નથી.