Mysamachar.in:ગાંધીનગર
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્ર-ગુજરાતનાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં કોસ્ટલ સિક્યોરિટી ટનાટન જ હોવી જોઈએ, એવો જનસાધારણનો મત છે. અને, સરકાર પણ આ દિશામાં સ્માર્ટ રીતે આગળ વધી રહી છે, જે આવકારદાયક છે. પરંતુ અત્રે કેટલાંક પાયાનાં મુદ્દાઓ પર ધ્યાન આપવું પણ એટલું જ આવશ્યક લેખી શકાય.
પ્રથમ મુદ્દો : સરકારે થોડાં થોડાં સમયે રાજ્યમાં કોસ્ટલ સિક્યોરિટી અંગે જાહેરાતો, બેઠકો, પ્રવાસો કરવા પડે છે. એજન્ડા સેટ કરવા પડે છે. અમલ માટે કસરતો કરવી પડે છે. પછી પણ, યોગ્ય પરિણામો પ્રાપ્ત ન થતાં – થોડાં વર્ષો પછી ફરી એ જ વાતો દોહરાવવી પડે છે ! આમ કેમ ?! અમલના સ્તરે અસરકારકતા દેખાતી કેમ નથી ? સ્થાનિક તંત્રોની જવાબદારીઓ ફિકસ શા માટે કરવામાં આવતી નથી ?! અને, ગાંધીનગર કક્ષાએથી સમગ્ર રાજયની કોસ્ટલ સિક્યોરિટીનું ટનાટન મોનિટરીંગ કરવા માટેની વ્યવસ્થા હજુ આટલાં વર્ષો પછી પણ વિકસાવવામાં આવી નથી ?! રાજ્યનાં ગૃહ મંત્રાલયે વધુ કાર્યક્ષમ બનવું આવશ્યક છે.
કોસ્ટલ સિક્યોરિટી અતિશય સંવેદનશીલ બાબત છે. આપણે દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું સ્ટેટ છીએ. આપણે દરિયાકિનારેથી દુનિયા સાથે અબજો રૂપિયાનો વેપાર કરીએ છીએ. ગુજરાતના દરિયાકિનારે અબજો રૂપિયાની કીમતના હજારો ઉદ્યોગો સ્થપાયેલા છે. આપણાં દરિયાકિનારાથી નાપાક રાષ્ટ્ર એકદમ નજીક છે. ગુજરાતમાં કેટલાક ચોક્કસ વિસ્તારોમાં કેટલાક ગદારોની સંખ્યા નોંધપાત્ર છે. અને, સમગ્ર રાજયમાં દરિયાકિનારે જબ્બર વસતિ વસવાટ છે. રાજ્યનાં દરિયાકિનારે ઘણાં સ્થળો એવા છે જે સંપૂર્ણ રેઢાં છે ! જ્યાં કોઈ પણ પ્રવૃત્તિઓ થઈ શકે છે !
દરિયાકિનારે તથા દરિયામાં વિજિલન્સ ચકાચક નથી ! ઘણાં છીંડાઓ છે. દેશવિરોધી તત્વો દરિયાકિનારે પહોંચી, વસતિમાં ભળી જાય પછી, લાંબા સમય બાદ પકડાઈ છે ! ત્યાં સુધી સંબંધિત સલામતી એજન્સીઓ અને ગુપ્તચર તંત્રોને નાપાક હરકતોની ગંધ પણ નથી આવતી ! આપણે વર્ષો પહેલાં મરીન પોલીસનું ગઠન કર્યું. પોલીસ સ્ટેશન બનાવ્યા. મરીન પોલીસ સ્ટેશનનાં પાટિયા ચિતરાવ્યા અને લટકાવ્યા. પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર રાજયની વિજિલન્સ ક્ષમતા કે એન્ફોર્સમેન્ટ ક્ષમતા કે, ગુપ્તચર ક્ષમતા આપણે આટલાં વર્ષો પછી પણ જબરદસ્ત બનાવી શક્યા નથી ! સમગ્ર ગુજરાતમાં દરિયાકિનારે પુષ્કળ ‘કચરો’ છે, જે આ વાતની સાક્ષી પૂરે છે !
રાજ્યનાં મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીએ કાલે, કોસ્ટલ સિક્યોરિટી મુદ્દે ચર્ચાઓ કરી. રાજયભરની એજન્સીઓ સાથે ગાંધીનગરમાં કોન્ફરન્સ યોજી. આ કોન્ફરન્સમાં ગુપ્તચર એજન્સીઓ, કલેકટરો, ફિશરીઝનાં અધિકારીઓ, પોલીસ અધિકારીઓ વગેરે સંબંધિત તંત્રોનાં અધિકારીઓ જોડાયા હતાં. અને, આ કોન્ફરન્સ કલાકો સુધી ચાલી. આ કોન્ફરન્સ ફળદાયી નીવડી શકે તો, ભવિષ્યમાં આવી કોન્ફરન્સનું પુનરાવર્તન ન કરવું પડે. બાકી તો થોડાં થોડાં વર્ષે આ પ્રકારના સમાચારો, અત્યાર સુધીમાં ઘણી વખત ગાજયા છે.
-મુખ્યમંત્રી-ગૃહમંત્રી આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં:
મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી આજે બપોર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મીઠાપુર હેલિપેડ ખાતે ઉતરાણ કરશે. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં દ્વારકા જિલ્લામાં મેગા ડીમોલીશન ઓપરેશન હાથ ધરાયા બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી એકસાથે જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. અને સૂત્રો એમ પણ કહે છે કે, આગામી દિવસોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા ડીમોલીશન ઓપરેશનનો પાર્ટ થ્રી ભજવાશે. આ વખતે રૂપેણ બંદર આસપાસનાં વિસ્તારોમાં સાફસુફી હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી આજે જિલ્લાની મુલાકાત દરમિયાન બેટ દ્વારકા જશે ઉપરાંત હર્ષદ પંથકની પણ મુલાકાત લેશે. મેગા ડીમોલીશન ઓપરેશન સમયે પણ મુખ્યમંત્રી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવ્યા હતાં, જે ઉલ્લેખનીય છે.