Mysamachar.in:ગાંધીનગર
ગુજરાતમાં વીજળીના ભાવો, વીજળીની ખરીદી અને ગ્રાહકોને આપવામાં આવતી વીજળીની ક્વોલિટી – હંમેશા ચર્ચા અને વિવાદનાં મુદ્દાઓ રહ્યા છે. વધુ એક વખત, ગુજરાત વિધાનસભામાં આ પ્રકારની ચર્ચાઓ, પ્રશ્નોત્તરી દરમિયાન સાંભળવા મળી. અદાણી જૂથ સહિતનાં ખાનગી વીજઉત્પાદકો પાસેથી મોંઘા ભાવની વીજખરીદી મુદ્દે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યએ સરકારને ઘેરી હતી. ધારાસભ્યએ કહ્યું : જો સરકારી વીજઉત્પાદક એકમો મહત્તમ ક્ષમતાથી વીજ ઉત્પાદન કરી શકે તો, ગુજરાતમાં પણ દિલ્હી અને પંજાબની માફક વીજગ્રાહકોને 300 યુનિટ સુધી વીજળી મફત આપી શકાય. આ ચર્ચા દરમિયાન ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં કહ્યું : ગુજરાત સરકાર ઓડિશા ખાતે બે નવા વીજ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા આગળ વધી રહી છે, જેનાથી ગુજરાતમાં વીજક્ષેત્રમાં સ્ટેબિલિટી વધારી શકાશે.
વીજળીનાં ખૂબ જ ઉંચા દરોને કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમવર્ગના વધુને વધુ લોકો વીજબિલ ભરી શકવામાં નિષ્ફળ જાય છે એમ જણાવી, આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ કહ્યું : અદાણી સહિતના ખાનગી વીજઉત્પાદકો પાસેથી ઉંચા ભાવે વીજળી ખરીદવી અને આ સંપૂર્ણ નાણાંબોજ ગુજરાતની જનતા પર ઝીંકવો એ એક મોટું વીજળી કૌભાંડ છે. આ નિવેદન પછી ભાજપાનાં એક ધારાસભ્યે વાંધો ઉઠાવતાં સરકારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ બોલેલા ‘કૌભાંડ’ શબ્દને વિધાનસભાનાં રેકર્ડમાંથી હટાવી લેવામાં આવ્યો. આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ આગળ બોલતાં કહ્યું : સરકારી વીજ ઉત્પાદન કરતાં એકમોને પૂરી ક્ષમતા સાથે કામ કરવા દેવામાં આવે તો, ગુજરાતમાં સસ્તા દરે વીજળી ઉત્પાદન શક્ય છે.
વીજ ક્ષેત્રમાં ચાલતાં ભ્રષ્ટાચારને ઘટાડવા સરકાર તરફથી યોગ્ય પગલાં ભરવામાં આવે તો, દિલ્હી અને પંજાબની માફક ગુજરાતમાં પણ સૌ માટે સસ્તી અને મફત વીજળી શક્ય છે, એમ આ ધારાસભ્યએ કહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, 26 મી માર્ચે એક ન્યૂઝ રિપોર્ટમાં જાહેર થયેલું કે, સરકારે વર્ષ 2022 માં ખાનગી વીજઉત્પાદકો પાસેથી રૂ.20,500 કરોડની વીજળીની ખરીદી કરી હતી. આ રકમ પૈકી 74 ટકા રકમ અદાણી, ટાટા અને એસ્સાર જૂથને ચૂકવવામાં આવી હતી. 2021 ની સરખામણીએ આ ત્રણ કંપનીઓએ 2022 માં સરકારને અનુક્રમે 85 ટકા, 75 ટકા અને 225 ટકા વધુ વીજળી વેચી. સરકારે ટૂંકમાં, આ કંપનીઓ પાસેથી ખરીદી વધારી દીધી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ એમ પણ કહ્યું કે, મોટાં ઉદ્યોગપતિઓ કરોડો રૂપિયાની વીજચોરી કરે છે ! અને, સરકાર ઘણાં કિસ્સાઓમાં ઉદ્યોગપતિઓ પાસેનાં બાકી નીકળતા વીજળીનાં કરોડો રૂપિયા માફ પણ કરી આપે છે ! આ ચર્ચા દરમિયાન ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું : તેઓ દિલ્હી અને પંજાબની વાત કરે છે. પરંતુ ગુજરાતમાં કોઈ ખેડૂત 1,000 યુનિટ વીજળીનો ઉપયોગ કરે છે તો તે પૈકી 900 યુનિટ વીજળી ખેડૂતને મફત મળે છે. તે માત્ર 100 યુનિટનાં નાણાં ચૂકવે છે. અને તેથી, ગુજરાતનાં તમામ ખેડૂતો ભારતીય જનતા પાર્ટી સાથે છે. ઉર્જામંત્રીએ વધુમાં કહ્યું : 2011-12 માં રાજ્યમાં માથાદીઠ વીજવપરાશ 1,233 યુનિટ હતો. 2021-22 માં આ વપરાશ 2,183 યુનિટ થયો છે. દેશમાં વપરાશનો આ આંકડો 1,255 યુનિટનો છે. આ આંકડાઓ વિકાસ દર્શાવે છે એમ ઉર્જામંત્રીએ અંતમાં કહ્યું.