Mysamachar.in:ગાંધીનગર
કોઈપણ સરકારી વિભાગોના કામો સહિતની બાબતો બહાર લાવવા માટે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એકટ અમલમાં છે, જેમાં કોઇપણ સામાન્ય વ્યક્તિ કોઈપણ સરકારી કચેરી પાસેથી નિયત ફી ભરી અને માહિતીઓ માંગી શકે છે, પરંતુ ઘણીવખત એવું પણ ધ્યાને આવતું હોય છે કે માહિતી અધિકારનો અધિકારીઓ ઉલાળિયો કરી દેતા હોય છે અને અરજદારોને યેનકેન પ્રકારે ટલ્લે ચઢાવી દે છે, વધુમાં કેટલાક અરજદારો પણ અધિકારીઓ ને જે-તે વિભાગોને દબાવવા માટે માહિતી અધિકારના કાયદાનો દુરુપયોગ કરતા હોય છે, એવામાં માહિતી ના આપનાર રાજ્યના 99 અધિકારીઓ સામે કાર્યવાહી થયાના અહેવાલો મળી રહ્યા છે.
છેલ્લા બે વર્ષમાં આવા અધિકારીઓ સામે ફરિયાદ કર્યા પછી 99 અધિકારીઓને માહિતી ન આપવા બદલ 2 હજારથી લઈને 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે કે આ 99 અધિકારીઓ પાસેથી કુલ દંડની રકમ 8.90 લાખ રૂપિયા વસૂલવામાં આવી છે. ગુજરાત માહિતી આયોગને વર્ષ 2021-22 દરમિયાન 6833 અપિલ અને 936 ફરિયાદ સાથે કુલ 7769 અરજીઓ મળી હતી અને વર્ષ 2020-21માં 6830 માટે અપીલ-ફરિયાદ મળી છે. આયોગને મળેલી અરજીઓ પૈકી 7435 અપીલ-ફરિયાદનો ચુકાદો આપ્યો છે જ્યારે 334 અરજીઓનો નિકાલ બાકી છે.