Mysamachar.in:ગાંધીનગર
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ થાય છે. લોકો પોતાના પ્રતિનિધિઓને ગૃહોમાં કામ કરતાં જોઈ શકે છે. ઘણાં રાજ્યોમાં વિધાનસભાની કાર્યવાહીનું પણ લાઈવ પ્રસારણ થાય છે. પરંતુ ગુજરાત સરકાર ઇચ્છતી નથી કે, વિધાનસભા કાર્યવાહી લોકો જૂએ ! કોન્ગ્રેસનાં ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કરવા અંગે સરકાર સમક્ષ માંગણી કરી હતી પરંતુ સરકારને એ મંજૂર નથી ! સરકારનાં આ વલણની રાજ્યભરમાં જાણકારોમાં ટીકા થઇ રહી છે. લોકો ચર્ચા કરી રહ્યા છે. તેથી સરકારે, વિધાનસભા કાર્યવાહીઓનુ આંશિક અને પસંદગીયુકત પ્રસારણ કરવાનો નિર્ણય કર્યો છે.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સરકાર વતી એવો ઉપાય વિચાર્યો છે કે, વિધાનસભા કાર્યવાહીનાં રેકોર્ડિંગ પૈકી વીડિયોઝના અમુક કટકા મંત્રીઓને તથા ધારાસભ્યોને આપવામાં આવશે. જનહિતના આ વીડિયોઝ યુ ટ્યુબ સહિતના સોશ્યલ મીડિયામાં મંત્રીઓ દ્વારા પ્રસારિત કરવામાં આવશે. ટૂંકમાં, વિધાનસભા કાર્યવાહી તમારાં સુધી પહોંચતા પહેલાં સરકાર દ્વારા એડિટ થશે. સરકાર શું એડિટ કરે છે ?! શું બાદ કરી નાંખે છે ?! એ પ્રશ્નોનાં જવાબો આગામી દિવસોમાં મળી રહેશે. અને, સાથેસાથે એ પણ ફાઈનલ થયું છે કે, વિપક્ષની માંગણી છતાં સરકાર વિધાનસભાની સમગ્ર કાર્યવાહી લોકો જૂએ એમ સરકાર ઇચ્છતી નથી ! એડિટ થયેલાં વીડિયોઝ પારદર્શિતા સહિતનાં સવાલો ખડાં કરશે એવું દેખાઈ રહ્યું છે અને તેથી આગામી સમયમાં નવો વિવાદ સર્જાવાની પણ સંભાવનાઓ છે.