Mysamachar.in:ગાંધીનગર
આપણાં સમાજમાં તબીબોને દેવદૂત માનવામાં આવે છે. શું બધાં જ ડોક્ટરો દેવદૂત છે ?! તો પછી ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનાં ખિસ્સાની ચીરફાડ કરતાં કેટલાક તબીબો કોણ છે ?! અને, નવાઈની વાત એ છે કે, આ ચીરફાડ નિષ્ણાંત તબીબો પૈકી કેટલાક તબીબો પ્રજાની પસીનાની કમાણીના નાણાંથી સરકારી મેડિકલ કોલેજમાં ઓછાં ખર્ચે ભણેલાં હોય છે પરંતુ તો પણ તેઓને સરકારી નોકરી નથી કરવી, પ્રજાની સેવા નથી કરવી ! આ પ્રકારના તબીબોને ઓળખી લ્યો, જેઓ કોઈ પણ અર્થમાં દેવદૂત નથી !
રાજયની સરકારી મેડિકલ કોલેજોમાં નાગરિકો પાસેથી વસૂલવામાં આવતાં ટેક્સના પૈસે ભણતા તબીબો, ભણી લીધાં પછી આ નાગરિકોની સેવા કરવા માટે સરકારી હોસ્પિટલમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી તબીબ તરીકે ફરજો બજાવવા તૈયાર નથી ! આ પ્રકારના તબીબો સરકારનો હુકમ થાય પછી પણ ફરજના સ્થળે હાજર થતાં નથી ! આ પ્રકારના ‘અપરાધી’ તબીબોને દંડ કરવા, તેઓની પાસેથી જે બોન્ડ લેવામાં આવ્યા હોય છે તે બોન્ડ નાં નાણાં સરકારે વસૂલવાના હોય છે. આ નિયમ પણ સરકારનો જ છે. આમ છતાં સરકાર આ પ્રકારના તબીબો પાસેથી બોન્ડ નાં નાણાં વસૂલતી નથી. તેથી આ પ્રકારના તબીબોને મનમાની કરવાની છૂટ મળી જાય છે ! આ પ્રકારના કેટલાક તબીબો ખાનગી હોસ્પિટલનાં માધ્યમથી પછી લોકોનાં ખિસ્સાની ચીરફાડ કરતાં હોય છે !
ગુજરાતમાં આ પ્રકારનાં 359 તબીબો છે. જેઓ પાસેથી સરકારે રૂ.18.25 કરોડ બોન્ડ પેટે વસૂલવાના છે પરંતુ સરકારે વસૂલ્યા નથી ! આ પ્રકારની વિગતો કાલે સોમવારે વિધાનસભામાં જાહેર કરવામાં આવી. આ પ્રકારના 359 તબીબોમાં જામનગરનાં 14 તબીબોનો પણ સમાવેશ થાય છે. જાણકારોના કહેવા પ્રમાણે, આ પ્રકારના તબીબોને ગ્રામ્ય વિસ્તારોમાં સેવા ફરજિયાત બનાવવી જોઈએ. જો તેઓ નિશ્ચિત સમય માટે ગ્રામ્ય વિસ્તારોમાં સેવા એટલે કે નોકરી કરવા ન જાય તો તેઓને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ જ ન આપવું જોઈએ. તો જ આ કેટલાક કહેવાતાં દેવદૂતો સુધરશે. તેઓ સુધરશે નહિ ત્યાં સુધી ગ્રામ્ય વિસ્તારોમાં લાખો લોકો તબીબી સેવાઓથી વંચિત જ રહેશે.