Mysamachar.in:ગાંધીનગર
ખનીજચોરી સમગ્ર રાજ્યમાં મહત્વનો ગેરકાયદે બિઝનેસ છે, જેમાં હજારો ધંધાદારીઓ અને બાહુબલિઓ કરોડો નહીં, અબજો રૂપિયા કમાયા છે અને કમાઈ રહ્યા છે – આ ઓપન સિક્રેટ ગુજરાતીઓ ઉપરાંત ગુજરાત સરકાર પણ જાણે છે ! ખૂબીની વાત એ છે કે, આ પ્રકારના કુદરતી સંસાધનોની લૂંટ કરનારા માફિયાઓ સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠા પણ ધરાવતાં હોય છે – નાણાંના જોરે !
માત્ર માફિયાઓ અને નેતાઓ જ નહીં, આ ગેરકાયદે વ્યવસાયમાં ઘણી કંપનીઓ પણ સદ્ધરતા સુધી પહોંચી શકતી હોય છે, વધુ સદ્ધર બની શકતી હોય છે અને રાજય અથવા દેશમાં નંબર વન પણ બની શકતી હોય છે ! આ મતલબની એક ચર્ચા – ગુજરાત વિધાનસભા ગૃહમાં કરવામાં આવી, એ હકીકત રેકર્ડ પર નોંધાયેલી છે ! જો કે, આ સંદર્ભે કોઈ કાયદાકીય કાર્યવાહી થયાનું વિધાનસભા ગૃહમાં જાહેર થયું નથી.
એક ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં કહ્યું : કચ્છમાં 2.67 લાખ મેટ્રિક ટન ખનિજની ચોરી કાયદેસરની લીઝની બહારનાં વિસ્તારોમાં, પાછલાં બે વર્ષમાં થઈ. આ અનુસંધાને, એક પણ FIR નોંધવામાં આવી નથી. કોઈની અટકાયત કરવામાં આવી નથી. કોઈની સંપત્તિ જપ્ત કરવામાં આવી નથી. ટૂંકમાં, સરકાર તરફથી કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવી નથી ! માત્ર નોટિસો આપવામાં આવી છે ! આપણે સૌ જાણીએ છીએ કે, સરકારી નોટિસ ઘણાં લોકો કચરાપેટીમાં પધરાવી દેતાં હોય છે, આ પ્રકારના લોકોને કોઈ ફાંસીના માંચડે લટકાવી દેતું નથી !
વિધાનસભા ગૃહમાં એક ધારાસભ્યએ એમ પણ કહ્યું કે, બોટાદ – ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં લાઇમસ્ટોનની મોટી ચોરી થાય છે ! જેમાં દેશની નંબર વન સિમેન્ટ કંપની અલ્ટ્રાટેક પણ સંડોવાયેલી છે ! જો કે, આ આક્ષેપ અંગે વિધાનસભા ગૃહમાં પછી વધુ ચર્ચા થવા પામી નહીં ! અત્રે ઉલ્લેખનીય છે કે, આ કંપનીનું સૂત્ર છે – મોટાં ઈરાદાઓ પાર પાડવા જાનની બાજી લગાવી દો ! આપ સૌને ‘બડે ઈરાદોમેં જાન ડાલ દે’ એ સૂત્ર યાદ હશે જ !