Mysamachar.in:ગાંધીનગર
પ્રોપર્ટી વેલ્યુએશન આમ જૂઓ તો ઘણાંબધાં લોકો માટે માથાનો દુઃખાવો પૂરવાર થતો હોય છે અને ઘણાં કિસ્સાઓમાં અરજદારો કચેરીએ ધક્કા ખાઈ કંટાળી જતાં હોય છે. આ ઉપરાંત રાજ્યકક્ષાએ આ સંદર્ભે ફરિયાદો અને રજૂઆતો પણ વધી ગયા પછી હવે, સરકારે આ આખો વિષય જ ઓનલાઇન કરી દીધો છે. જેને પરિણામે આ કામગીરીમાં હવે ઝડપ અને પારદર્શિતા વધવા પામશે, એવું સમજાઈ રહ્યું છે.
રાજય સરકારે જાહેર કર્યું છે કે, આજે 15 માર્ચ, બુધવારથી સમગ્ર રાજ્યમાં પ્રોપર્ટી વેલ્યુએશન કામગીરી માત્ર ઓનલાઇન જ થઈ શકશે. આ માટે ખાસ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે, જે અરજદારો માટે ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે. કામગીરી ઝડપી બનશે. પારદર્શિતા પણ વધશે. કેટલાંક લોકો એમ પણ કહે છે : ભ્રષ્ટાચાર પણ ઘટશે.
ગાંધીનગર સ્થિત વર્તુળો જણાવે છે, આજે બુધવારથી મિલ્કતોનાં મૂલ્યાંકન માટેની અરજીઓ માત્ર ઓનલાઇન જ સ્વીકારવામાં આવશે. અરજદારો પોતાની અરજી IRCMS(integrated revenue case management system)પોર્ટલ પર કરી શકશે. ઓફિસ ઓફ ધ સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન કચેરીએ કાલે મંગળવારે આ જાહેરાત કરી છે. કચેરીએ જણાવ્યું છે, આ નવી ડિજિટાઈઝડ સિસ્ટમ અંતર્ગત કોઈ પણ અરજી અંગેની કામગીરી દસ દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે. રાજ્યમાં જામનગર સહિત દરેક સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં આજે બુધવારથી આ નવી પ્રોસિજર અમલમાં મૂકવામાં આવી છે.
આ કચેરીઓની આ પ્રકારની તમામ કામગીરી હવેથી આ પોર્ટલ પર જ કરવાની રહેશે. આ પોર્ટલ પર નમૂનાની અરજી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, અરજદારો તેનો અભ્યાસ કરી શકશે. હવે પ્રત્યેક સબ રજિસ્ટ્રાર કચેરીએ 48 કલાકમાં કોઈ પણ અરજી સ્વીકારવાની અથવા રિજેકટ કરવાની રહેશે. અને કચેરી દ્વારા જે અરજીઓ નકારવામાં આવે તે અરજીઓ નકારવા માટેનાં વેલિડ કારણો પણ ઓનલાઇન દર્શાવવાના રહેશે. આ ઉપરાંત કચેરીઓએ નિયત ફી માટેનાં ચલણો પણ ઇસ્યૂ કરવાનાં રહેશે. આ રીતે ઓનલાઇન કરવામાં આવેલી અરજીનાં આધારે કચેરી સ્ટેમ્પ ડયુટી નક્કી કરશે અને સંપૂર્ણ પ્રક્રિયા આજથી ઓનલાઇન જ કરવાની રહેશે.