Mysamachar.in:ગાંધીનગર
‘સૌની’ યોજના દસ વર્ષ પહેલાં 2013માં જાહેર કરવામાં આવી ત્યારે એવી વિગતો બહાર આવી હતી કે, આ યોજનાને કારણે, નર્મદા યોજનાનું જે 3 મિલિયન એકર ફીટ પાણી દરિયામાં વહી જાય છે તે પૈકી 1 મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્રને આપવામાં આવશે. જેતે સમયે આ યોજનાને સરકારી કાગળો પર અને કાર્યક્રમોમાં સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના એટલે કે સૌની યોજના તરીકે જાહેર કરવામાં આવી હતી. અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, આ કામ માટે રૂ.10,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
કાલે સોમવારે, સરકારે એક ધારાસભ્યનાં પ્રશ્નના જવાબમાં વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ.16,148 કરોડનો ખર્ચ થયો છે. હજુ આ યોજના અંતર્ગત રૂ.2,415 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 10 વર્ષ પછી, અને મૂળ અંદાજ કરતાં લગભગ બમણાં જેટલો ખર્ચ ધરાવતી આ યોજના દર્શાવે છે કે, આ યોજનાનું કામ ગતિથી થયું નથી ! યોજના ખર્ચનાં અંદાજો શા માટે ખોટાં પૂરવાર થયાં ?! સચિવો અને નેતાઓ તેમજ અધિકારીઓનાં ગણિત કાચાં છે ?! કે, ખર્ચ મોટો દેખાડવા પાછળ મોટી રાજરમત છે ?! એવો સ્વાભાવિક સવાલ સરકારનાં જવાબ પછી સપાટી પર આવ્યો છે !
આ યોજના માટે જે સર્વે અને નકશાઓ તૈયાર કરવામાં આવ્યા હતાં તેનાં કરતાં વધુ લંબાઈની પાઈપલાઈન પાથરવી પડી છે. ઉપરાંત ઘણાં સ્થળોએ નાની પાઈપલાઈનની જગ્યાએ મોટી પાઈપલાઈન પાથરવી પડી છે. સરકાર કહે છે : વીજકંપનીએ મોડેથી રાઈટ ઓફ યૂઝ અંગે સરકારને કહ્યું. આ ઉપરાંત વીજજોડાણોનાં લાઈનના ખર્ચની ગણતરીમાં પણ ફેરફારો આવ્યા.
બધી જ બાબતોમાં જો આ પ્રકારે ફેરફારો થયાં અથવા આવ્યા, તો સરકારી વિભાગોએ યોજના પૂર્વે જે હોમવર્ક કર્યું તે યોગ્ય ન હતું ?! કે, જાણીજોઈને કેટલીક બારીઓ હવઆઉજાસ માટે ખૂલ્લી રાખવામાં આવી હતી ?! સામાન્ય રીતે, સરકારી કામોમાં આવું બનતું હોય છે – જે આ યોજનામાં પણ બન્યું ?! એવો પ્રશ્ન આ આંકડાઓની પાછળથી ડોકિયાં કરી રહ્યો છે.