Mysamachar.in:ગાંધીનગર
ગુજરાત સરકાર પારદર્શી હોવાના કેટલાય દાવાઓ કરે છે પણ આ દાવાઓ વચ્ચે પ્રજાના ચુટાયેલા પ્રતિનિધિઓ જે વિધાનસભામાં તેમના વિસ્તાર માટે શું રજુઆતો કરે છે શું પ્રશ્નો ઉઠાવે તે કાર્યવાહી લાઈવ પ્રસારિત કરતું નથી, અગાઉ ગુજરાત વિધાનસભાની કાર્યવાહી નાગરીકો ટીવીના માધ્યમથી જોઈ શકતા હતા પણ 2009 થી તે વ્યવસ્થા બંધ થઇ છે.
સંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભાની કામગીરી નિહાળવા માટે સામાન્ય નાગરિકો માટે વર્ષોથી સુવિધા છે. સદનમાં જનપ્રતિનિધિ કયા કયા મુદ્દાઓ ઉઠાવે છે, કેવી રીતે ઉઠાવે છે તે બતાવવા માટે દેશની અનેક વિધાનસભાઓએ સદનની કાર્યવાહીને ઓનલાઈન પ્રસારિત કરવાનું શરૂઆત કર્યું છે. તેમાં ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યથી લઈને દિલ્હી જેવા કેન્દ્રશાસિત પ્રદેશ પણ સામેલ છે. પરંતુ ગુજરાત વિધાનસભામાં જીવંત પ્રસારણ જોવાની કોઈ સુવિધા નથી. આજથી 15મી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે, પરંતુ સામાન્ય નાગરિકો આચાર્ય દેવવ્રતના સંબોધનથી લઈને કોઈ પણ કાર્યવાહી લાઈવ જોઈ શક્તુ નથી.
2009 સુધી ગુજરાત વિધાનસભાની કાર્યવાહી લાઈવ જોવાની સુવિધા હતી, પંરતું તેના બાદથી તેને બંધ કરવામા આવ્યુ હતું. ત્યારથી લઈને અત્યાર સુધી ગુજરાત વિધાનસભાની કાર્યવાહીને લાઈવ કરવાની માંગ સતત ઉઠી રહી છે. આવામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની પસંદગી થઈ તો આ માંગ ફરીથી ઉઠી છે કે, વિધાનસભાની કાર્યવાહી લાઈવ થવી જોઈએ. જેથી પ્રદેશના લોકો પોતાના જનપ્રતિનિધિ કેવી રીતે કામકાજ કરે છે તે જોઈ શકે. વિધાનસભાની કાર્યવાહીને લાઈવ કરવાની માંગ ઉઠી છે. સુરતના સામાજિક કાર્યકર્તા ધ્રુવિત ઢોરિયાએ આ મામલે નેતા વિપક્ષથી લઈને વિધાનસભા અધ્યક્ષ, અને મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમનુ કહેવુ છે કે, વિધાનસભાની કાર્યવાહી લાઈવ થવી જોઈએ.
નેતાઓ પોતાના કાર્યક્રમો કરે છે તો ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પર લાઈવ કરે છે. રાજ્ય સરકારના કાર્યક્રમો પણ સોશિયલ મીડિયામાં લાઈવ થાય છે. તો સરકાર વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરવાથી કેમ ડરી રહી છે. વિધાનસભાની કાર્યવાહી જોવાનો જનતાનો અધિકાર છે. જાન્યુઆરી, 2021 માં ગુજરાત વિધાનસભાની કાર્યવાહીને લાઈવ કરવા અને દસ્તાવેજો ઓનલાઈન અવેલેબલ કરવાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે જનહિત અરજી પર સુનાવણી કરતા વિધાનભાના સચિવાલય પાસેથી જવાબ માંગ્યો હતો. તો વિધાનસભાના સદને સીધા પ્રસારણની માંગનો વિરોધ કર્યો હતો. સચિવાલયે ત્યારે તર્ક આપ્યો હતો કે, કઈ માહિતી પ્રકાશિત કરવાના હેતુથી યોગ્ય છે, તેનો નિર્ણય કરવાનો અધિકાર વિધાનસભાને છે. વધુમાં નિષ્ણાતોને મતે ગૃહની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવું કે નહિ તે તમામ અધિકાર ગૃહના અધ્યક્ષના હોય છે