Mysamachar.in:ગાંધીનગર
ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર આવતીકાલે તા.23 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે. જેમાં વર્ષ 2023/24 માટેનું રાજ્યનું અંદાજપત્ર રજૂ થશે. આ સત્ર 25 દિવસ ચાલશે. તે દરમિયાન સરકાર બે મહત્વનાં વિધેયકો લાવશે અને તોતિંગ બહુમતી હોવાથી ચર્ચા વિના પસાર કરાવી લેશે. આમેય હવે ગૃહમાં ધારાસભ્યોની ભૂમિકાને એકદમ નજીવી બનાવી દેવામાં આવી છે, જે સત્ર દરમિયાન સૌ કોઈ અનુભવી શકશે ! આવતીકાલથી શરૂ થઈ રહેલાં બજેટસત્રમાં રાજ્યપાલ ફરીથી ગૃહને સંબોધન કરશે. અને, તેઓનાં સંબોધન પરની ચર્ચાઓ ગૃહમાં ત્રણ દિવસ ચાલશે, એમ સૂત્રો જણાવે છે. આ સત્રમાં 24મીએ, એટલે કે સત્રના બીજા દિવસે, નાણામંત્રી કનુ દેસાઈ પોતાનું બીજું અને ગુજરાત સરકારનું વર્ષ 2023/24 નું અંદાજપત્ર રજૂ કરશે.
આ ઉપરાંત સરકાર ગૃહમાં બે વિધેયક પણ લાવશે. વિપક્ષ સંખ્યાબળ ઓછું ધરાવે છે તેથી વધુ આક્રમક મૂડમાં જોવા મળે તેવું પણ બની શકે છે. મોંઘવારી સહિતના ઘણાં મુદ્દાઓ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવશે, એમ જાણવા મળે છે. જો કે, ઓછાં સંખ્યાબળને કારણે પ્રો-રેટા મુજબ, વિપક્ષને પોતાની વાત ગૃહ સમક્ષ મૂકવા ખૂબ ઓછો સમય આપવામાં આવશે. હજુ સુધી ગૃહમાં વિપક્ષ નેતાની નિયુક્તિ પણ થવા પામી નથી.
બીજો મુદ્દો એ છે કે, સરકાર પાસે 182 પૈકી 156 ધારાસભ્યો છે. એટલે, સમગ્ર ગૃહની કાર્યવાહી વનસાઈડ ચાલશે. સરકારની વાહવાહી સિવાય ગૃહમાં કશું થાય તેવી શક્યતા બહુ ઓછી રહેશે. અને, સરકાર તોતિંગ બહુમતી ધરાવતી હોય વિધેયકો સહિતની બાબતોમાં ધારાસભ્યોને ખાસ કશું પૂછવાના કે સાંભળવાના મૂડમાં ન હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. સરકારની માર્ગદર્શિકા મુજબ, ધારાસભ્યોની ભૂમિકાને સાવ નજીવી બનાવવામાં આવે તેવી સંભાવના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
આ બજેટસત્રમાં ઈમ્પેકટ ફી સંબંધિત વિધેયક પસાર કરવામાં આવશે. જેમાં મુદ્ત વધારવાની વાત હશે. ઉપરાંત આ કાયદામાં સરકાર મોટાભાગની સતાઓ પોતાનાં હસ્તક જ રાખે તેવી સંભાવના વધુ છે. બહુમતીને કારણે સત્તાનું કેન્દ્રીકરણ વધુ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે એવું જાણકારોનું કહેવું છે. આ ઉપરાંત અન્ય એક વિધેયક પેપરલીક મુદ્દે છે. તેમાં પણ સરકાર લગભગ કોઈ પણ ધારાસભ્યને સાંભળશે નહિ અને વિધેયક ફટાફટ પસાર કરાવી, કાયદાનો અમલ શરૂ કરી દેશે એમ પણ જાણકારો કહે છે. ટૂંકમાં, હવે પછીનાં સમયમાં ચૂંટાયેલા ધારાસભ્યોની ભૂમિકાને સાવ વેતરી નાંખવામાં આવે તેવી સંભાવના વધુ હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. બંધારણ નિષ્ણાતો એમ પણ જણાવી રહ્યા છે, તોતિંગ બહુમતીનાં ભયસ્થાનો વધુ હોય છે !