Mysamachar.in-
ગ્રાહક રાજા છે, એવો પ્રચાર સરકારી સાહિત્યમાં અને કાર્યક્રમોમાં થતો રહે છે પરંતુ બીજી તરફ એક એવી વિગતો બહાર આવી છે કે, ગ્રાહકોની સુવિધા બાબતે ગુજરાત સરકાર ઉદાસીન છે ! 17 વર્ષ પહેલાંના નોટિફિકેશનનો હજુ અમલ કર્યો નથી ! તાજેતરમાં એવી વિગતો બહાર આવી છે કે, ગ્રાહક સુરક્ષા ફોરમની રાજયકક્ષાની અપીલ માટે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રનાં શહેરોનાં ગ્રાહકોને છેક અમદાવાદ સુધી લાંબા થવું ન પડે અને આ કામ રાજકોટ ખાતે કરી શકાય તે માટે ગુજરાત સરકારે 17 વર્ષ પહેલાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ નોટિફિકેશનમાં ગ્રાહક સુરક્ષા માટેનાં સ્ટેટ કમિશનની સર્કિટ બેન્ચ રાજકોટને ફાળવવામાં આવી છે એવું જાહેર થયેલું. આજની તારીખે રાજકોટમાં સરકારે આ બેન્ચ કાર્યરત કરી નથી ! જેને કારણે જામનગર તથા રાજકોટ સહિતના ગ્રાહક સુરક્ષાનાં જે કેસો હોય તેમાં સ્થાનિક કક્ષાએ નિષ્ફળ રહ્યા પછી જો ગ્રાહકને સ્ટેટ કક્ષાએ અપીલમાં જવું હોય તો તે ગ્રાહકે છેક અમદાવાદ સુધી લાંબા થવું પડે !
17 વર્ષ પહેલાં આ બેન્ચ રાજકોટમાં કાર્યરત કરવામાં આવી હોત તો, આટલાં વર્ષોમાં હજારો ગ્રાહકોને આ અપીલો માટે છેક અમદાવાદ સુધીનાં ધક્કા ખાવા પડયા ન હોત. આ બેન્ચ હવે રાજકોટમાં તાકીદે કાર્યરત કરવા માંગણી ઉઠી છે. રાજ્યનો ગ્રાહક બાબતોનો વિભાગ અને ગુજરાત સરકાર ‘ કામ કરતી સરકાર ‘ તરીકે પ્રચારિત છે, તો પણ આટલી ધીમી ગતિએ કામો થાય છે ! એ અચરજ લેખી શકાય. આ તમામ વિગતો પણ, RTI માં અરજી થયાં પછી બહાર આવી. ત્યાં સુધી, સતર વર્ષ સુધી, તંત્રોએ સૌરાષ્ટ્રભરના ગ્રાહકોને ફાઈલોમાં દબાવીને રાખ્યા ! જાગો ગ્રાહકો જાગો.