Mysamachar.in-રાજકોટ:
સ્વીકૃત ચલણ સ્વીકારવાનો કોઈપણ વ્યક્તિ ઇન્કાર ના કરી શકે અને જો કરે તેના માટે પણ અલગ પ્રાવધાનો છે, રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વેરાની રકમ જમા કરાવવા માટે એક મંદિરના પુજારી પહોંચ્યા હતા. મારુતિ મંદિરના પૂજારી પોતાનો 1800 રૂપિયા જેટલો વેરો ભરવા માટે 50 પૈસાના સિક્કાના પરચૂરણ લઇને આવ્યા હતા. જો કે, વેરા વસુલાત શાખાના અધિકારીએ આ પરચૂરણ સ્વીકારવાનો ઇન્કાર કરતા પૂજારીએ વિરોધ કર્યો હતો. બાદમાં અધિકારીઓએ ચિલ્લર સ્વીકાર્યું હતું.
મારૂતિ મંદિરના પુજારી હેમેન્દ્ર ભટ્ટે જણાવ્યું હતું કે, મારી આવકનું માધ્યમ એકમાત્ર મંદિરની દાન પેટીમાં આવતી રકમ છે. જેથી દાન પેટીમાં જે આવક થાય તે લઈને તેઓ વેરો ભરપાઇ કરવા આવ્યો છું. 1800 રૂપિયાના વેરામાં પરચૂરણ છે. પુજારીએ સરકાર સામે સવાલ કર્યો હતો કે, પરચૂરણ એ ભારતીય ચલણ નથી અને જો હોય તો મનપા શા માટે તેને લેવાની ના પાડે છે. પરંતુ બાદમાં ઉચ્ચ અધિકારીને આ અંગે રજૂઆત કરવામાં આવતા આ પરચુરણ સ્વીકારી લેવામાં આવ્યું હતું અને વેરો ભરપાઈ થયો હતો.