Mysamachar.in-રાજકોટ:
રાજ્યમાં તાજેતરની જ વાત છે કે બોટાદમાં બનેલી ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી દીધી હતી, ત્યાં જ રાજકોટના લોધિકાના મોટાવડા ગામેથી પોલીસે બાતમીને આધારે અંગ્રેજી શરાબ બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી છે. યોગેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સે તેની વાડીની ઓરડીમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલુ કરી હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે લોધિકા પોલીસ મથકના કાફલાએ દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતા જ એક શખ્સ નાસી જવાની પેરવી કરતો હોય પોલીસે તેને કોર્ડન કરી પકડી પાડ્યો હતો. પૂછપરછ કરતા તે યોગેન્દ્રસિંહ હોવાનું કહ્યું હતું. જેથી તેને સાથે રાખી વાડીની ઓરડીમાં તપાસ કરતા અંદરથી પ્લાસ્ટિકના કોથળાઓ, કેરબાઓ જોવા મળ્યા હતા.
જ્યારે અંદરથી એક પ્લાસ્ટિકની ટાંકી પણ જોવા મળતા તેને ચેક કરતા અંદરથી કેફી પ્રવાહીની વાસ આવતી હતી. તેમજ ત્યાંથી વિદેશી દારૂની મેકડોલ્સ નં.1 બ્રાન્ડની શરાબના સ્ટિકર, રેપર, બોક્સ મળી આવ્યા હતા. વાડીની ઓરડીમાંથી નકલી વિદેશી દારૂ બનાવવાની સામગ્રી, વિદેશી દારૂ જેવું કેફી પ્રવાહી ભરેલી 60 બોટલ, 385 લિટર કેફી પ્રવાહી ભરેલા કેરબા મળી કુલ રૂ.25 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સકંજામાં આવેલા યોગેન્દ્રસિંહની પૂછપરછ કરતા પોતે અને રાજકોટના નવલનગરમાં રહેતા કાકાનો દીકરો દિગ્વિજયસિંહ જાડેજા સાથે નકલી વિદેશી દારૂ બનાવી પેકિંગ કરી છેલ્લા બે દિવસથી વેચાણ ચાલુ કર્યાની કબૂલાત આપી છે. ઇથેનોલ, નોન આલ્કોહોલિક બીયર, સીરપ, ફ્લેવર મિક્સ કરી નકલી વિદેશી દારૂ બનાવતા હોવાનું તેમજ નકલી વિદેશી દારૂની તૈયાર થયેલી 60 બોટલ દિગ્વિજયસિંહ વેચાણ કરવા જવાનો હોવાની કબુલાત પણ આપી હતી.