Mysamachar.in-રાજકોટ:
જલ્દીથી પૈસા કમાવવા માટે લોકો શોર્ટકટ અપનાવી ગુન્હાખોરીને માર્ગે જઈ રહ્યા છે, આવો જ વધુ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે, રાજકોટ શહેરના યુનિવર્સીટી રોડ પર આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATM મશીન સાથે ચેડા કરી છેતરપિંડી કરના ઈસમોને પોલીસે ચોક્કસ બાતમી મળતા આંતરરાજ્ય ગેંગના ચાર શખ્સો મહમદ અહેમદ ઇસ્માઇલભાઇ બુમ્બીયા, કરણભાઇ હરીશભાઇ ઉનડકટ, તાલીબહુશેન હામીદહુશેન મેઉ, અને મુબીનખાન નુરમોહમદ મેઉની ધરપકડ કરી છે. જેમાં બે શખ્સો રાજકોટના અને બે શખ્સો હરીયાણાના છે. તેની પાસેથી 2 મોબાઇલ ફોન, અલગ અલગ બેંકના કુલ 22 ATM કાર્ડ અને HDFC બેંકની 3 પાસબુક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જે રીતે પ્રાથમિક માહિતીઓ સામે આવી રહી છે તે પ્રમાણે આરોપીઓએ પોતાનુ HDFC બેંકનું ATM કાર્ડ SBI બેંકના ATM મશીનની અંદર પૈસા ઉપાડવા ટ્રાન્જેક્શન કરતા હતા. એ દરમિયાન કરન્સી નોટો ATM મશીનના આઉટર બોક્સમાંથી બહાર આવે એટલે પૈસા ઉપાડી લઈ ATM મશીનનુ આઉટર બોક્સ બીજા હાથે પકડી રાખી બંધ થવા દેતા ન હતા. જેથી મશીનમાં એરર આવતી હતી અને બેંક એવુ માને કે કસ્ટમરને પૈસા મળેલ નથી પરંતુ કસ્ટમરના એકાઉન્ટમાંથી પૈસા કપાઇ ગયેલ છે. આ એરરનો લાભ લઇ પોતાની HDFC બેંકમાં કમ્પલેન નોંધાવે કે અમોએ SBI બેંકના ATM નો ઉપયોગ કરતા અમારા એકાઉન્ટમાંથી પૈસા ડેબીટ થઇ ગયેલ છે પરંતુ અમોને પૈસા મળેલ નથી અને તે કમ્પલેનના આધારે HDFC બેંક કસ્ટમરની કમ્પલેન SBI બેંકને કરી તે કમ્પલેનના આધારે તેના એકાઉન્ટમાંથી ડેબીટ થયેલ પૈસા ક્રેડીટ કરાવવા ફરિયાદ કરતી હતી. જેના આધારે SBI બેંકે HDFC બેંકને પૈસા ચુકવી આપ્યા હતા.આમ પોતાના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી પોતાને પૈસા મળેલ નથી તેમ જણાવી બેંક સાથે છેતરપીંડી કરતા હોવાનું સામે આવ્યું છે.