Mysamachar.in-રાજકોટ:
દારૂબંધીની વાતો વચ્ચે જેને દારુની હેરફેર કરવી છે તે નિતનવા ગતકડાઓ અજમાવી અને દારુની હેરાફેરી કરી જ લે છે, એવામાં રાજકોટમાં આશ્ચર્ય પમાડે તેવી ભલે પહેલી વાર ના હોય તેવી એમ્બ્યુલન્સમાં દર્દી નહિ પરંતુ દારૂની હેરાફેરી સામે આવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે,રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કવોડએ એમ્બ્યુલન્સમાં થતી દારૂની હેરાફેરીને ઝડપી પાડવામાં આવી છે. પોલીસે દારૂની 59 બોટલ સાથે એમ્બ્યુલન્સ કાર ચલાવનાર વિજય વાઘેલા, દારુ મંગાવનાર સુરેશ જીતીયા તેમજ નટુ જીતીયાની ધરપકડ કરી છે. તેમજ દારુ મોકલનાર સુરેન્દ્રનગરના ચાપરાજ કાઠીની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે સદભાવના હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. જે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવતા સદભાવના હોસ્પિટલની એમ્બ્યુલન્સ સોખડા ચોકડી પાસે પસાર થઈ રહી હતી. તે સમયે તેને અટાકાવી એમ્બ્યુલન્સની તલાશી લેતાં તેમાંથી 59 દારૂની બોટલો મળી આવી છે. સામાન્ય રીતે પોલીસ એમ્બ્યુલન્સને અટકાવતી હોતી નથી એટલા માટે જ એમ્બ્યુલન્સ મારફતે દારૂ લાવવાનો કારસો ઘડ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ત્રણેય પહેલીવાર જ દારૂ લાવી રહ્યા હતા પરંતુ દારૂ વેચે તે પહેલાં જ પોલીસને હાથ ચઢી ગયા છે.