Mysamachar.in-રાજકોટ:
કોલેજના વિદ્યાર્થીઓએ તો ખરેખર મન દઈ અને અભ્યાસ કરવો જોઈએ પણ રાજકોટની બે અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓ જાલીનોટના ગુન્હામાં પોલીસે ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે, શહેરના કાલાવડ રોડ પરથી પોલીસે એન્જિનિયરિંગના વિદ્યાર્થીને રૂ.50 હજારની જાલીનોટ સાથે ઝડપી લીધા બાદ તેને નોટ સપ્લાય કરનાર ઇજનેરીના જ છાત્ર અને વિસાવદરના શખ્સને પણ પોલીસે ઉઠાવી લીધો હતો, નોટ સાથે ઝડપાયેલા વિદ્યાર્થીએ અન્ય રૂ.50 હજારની નકલી નોટ સુરત રહેતા તેના પિતરાઇને આપી હોય તેને પકડવા પોલીસની એક ટીમ સુરત દોડી ગઇ હતી.
કાલાવડ રોડ પર પ્રેમમંદિરની બાજુમાં બટર ફ્લાય પ્લે હાઉસ પાસે આવેલા મકાનમાં ભાડેથી રહેતા અને ગાર્ડી કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં કિશન પાંચાણી પાસે રૂ.500ના દરની ભારતીય ચલણની બોગસ નોટ હોવાની માહિતી મળતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.બી.જાડેજા અને તેની ટીમ દોડી ગઇ હતી. પોલીસે કિશનને સકંજામાં લઇ તલાશી લેતા પાસેથી 500ના દરની 100 નંગ નોટ મળી આવી હતી. પોલીસે આગવીઢબે પૂછપરછ કરતા કિશન પાંચાણીએ આત્મીય કોલેજમાં બાયોટેક્નોલોજીનો અભ્યાસ કરતાં અને વિસાવદરમાં જૂના બસ સ્ટેશન પાસે રહેતા આવેશ અનવર ભોર પાસેથી ખરીદ કર્યાની કબૂલાત આપી હતી.
શહેર પોલીસની ટીમ વિસાવદર રવાના થઇ હતી અને આવેશને ઝડપી લઇ પૂછપરછ કરતા તેણે સવા વર્ષ પૂર્વે કિશનને રૂ.40 હજારમાં 1 લાખની 500ના દરની નોટ આપ્યાની કબૂલાત આપી હતી અને આ નકલી નોટનો જથ્થો વિસાવદરમાં જ રહેતા હર્ષ રેણુકા પાસેથી મેળવ્યાનું રટણ રટ્યુ હતુ. પોલીસ વિસાવદરમાં હર્ષના ઘરે પહોંચી હતી પરંતુ હર્ષે એકાદ વર્ષ પહેલા જ આપઘાત કરી લીધાનું ખુલ્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કિશને રૂ.50 હજારની નકલી નોટ સુરત રહેતા તેના પિતરાઇ સંજય હરેશ પાંચાણીને આપી હતી અને પોતાની પાસે રહેલી નકલી નોટ વટાવવા જતાં ઝડપાઇ જશે તેવો ભય લાગતા રાખી મુકી હતી, જોકે કિશનની આ વાત પોલીસને ગળે ઉતરતી નહોતી, કિશન અને આવેશ સહિતનાઓએ અત્યાર સુધીમાં કેટલી નોટ બજારમાં વહેતી મૂકી હતી, અન્ય કોઇને આપી હતી કે કેમ તે સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી.