Mysamachar.in-રાજકોટ:
આજના સમયમાં લોન લેવા માટે કે પછી અન્ય કોઈ કામો માટે કોઈને ડોકયુમેન્ટ આપતા પહેલા અને આપ્યા બાદ ખુબ સાવધાની વર્તવી જરૂરી છે કારણ કે આજના સમયમાં તમારા ડોકયુમેન્ટના આધારે અન્ય પોતાનો લાભ લઇ શકે છે તે વાતની સાબિતીરૂપ કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે, રાજકોટ જામનગર રોડ પર ક્વાર્ટરમાં રહેતા સફાઇ કામદાર સંજયભાઈ રમેશભાઈ ઘાવરીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે રાજકોટ પરાબજાર નજીક કૃષ્ણપરામાં રહેતો આજમ અસ્લમ આમદાણી, ભાવનગરનો ઇલ્યાસ સીદીક ખોખર અને મુનાફ શેખ અબ્દુલ રસીદના નામો આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, 3 મહિના પહેલા તેને મકાન માટે 18 લાખ રૂપિયાની જરૂર હતી. અગાઉ પરિચિત આજમને લોન લેવા માટે વાત કરી હતી. આ અંગે આજમ સહિતનાઓએ તેને ICICI બેંકે બોલાવી તેના ડોક્યુમેન્ટ લઇ ખાતું ખોલાવ્યું હતું. તેના બેંકના ડોક્યુમેન્ટ પણ તેની સાથે લઇ ગયા હતા.
દરમિયાન ICICI બેંકના કર્મચારીએ 6 ડિસેમ્બર 2021ના રોજ તેને બેંકે બોલાવી તેના ખાતામાં 4.72 કરોડના ટ્રાન્જેક્શન થયા હોવાનું જણાવતા તેને બેંકમાં 12.50 લાખની લોન અંગે પરિચિત આજમને ડોક્યુમેન્ટ આપ્યા હતા અને બેંકના ડોક્યુમેન્ટ પણ તેની પાસે જ હોવાનું જણાવ્યું હતું. પોલીસને પણ જાણ કરી હોવાનું કહ્યું હતું.પોલીસ તપાસમાં આરોપી ઇલ્યાસને એક એકાઉન્ટ દીઠ રૂપિયા એક લાખ કમિશન મળતું અને બાકીના બે આરોપીને એકાઉન્ટ દીઠ 15-15 હજાર કમિશન મળતું હોવાનું સામે આવ્યું છે. સાથે જ અત્યારસુધી તપાસમાં આરોપીઓએ 5 એકાઉન્ટ મદદથી 25 કરોડ આસપાસની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક આરોપી લોન એજન્ટ છે. જ્યારે ભાવનગરના બે આરોપી ડ્રાઇવર અને નાના ધંધા સાથે સંકળાયેલો છે. આમ છતાં આટલું મોટું ટ્રાન્ઝેક્શન કેવી રીતે થયું અને અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.