Mysamachar.in-રાજકોટ:
હાઈવે પર દોડતા વાહનો કોઈની કે પોતાનું શું થશે તેની પરવાહ કર્યા વિના આડેધડ વાહનો ચલાવે છે અને ક્યારેક એવા ગંભીર અકસ્માતો થાય છે કે માનવ જિંદગી હોમાય જાય છે અથવા તો આજીવન ખોડખાંપણ રહી જાય છે, આવો જ વધુ એક દુખદ કિસ્સો અકસ્માતનો રાજકોટના ઉપલેટા નજીક સામે આવ્યો છે, જેમાં મનોકામના પૂર્ણ કરવા દ્વારકા પગપાળા જઈ રહેલ સંઘના બે મહિલા પદયાત્રીઓના કારે ટક્કર મારતા મોત નીપજ્યા છે અને શોકનું મોજું ફરી વળ્યું છે,
માહિતી મળી રહી છે તે મુજબ વડોદરાના પાદરા ગામમાંથી 90 પુરૂષ અને કેટલીક મહિલાઓ પગપાળા દ્વારકા પૂરી કરવા માટે જતા હતા. ત્યારે ઉપલેટા નજીક મોજ નદીના પુલ પાસે પાછળથી આવતી કારના ચાલકે ત્રણ મહિલા પર કાર ચઢાવી દીધી હતી. આથી બે મહિલા કૈલાસબેન ચૌહાણ અને કૈલાસબેન ગોહિલના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક મહિલાને ગંભીર ઇજા સાથે હોસ્પિટલ ખસેડાઇ છે. ઘટનાની જાણ થતા ઉપલેટા પોલીસ દોડી ગઈ હતી અને મૃતક બે મહિલાના મૃતદેહને પીએમ માટે ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
GJ-O1-RA-7100 નંબરની કારના ચાલકે અહીં રોડ પર કાબૂ ગુમાવ્યો હતો. કારચાલકે સંઘના લોકોને પાછળથી ટક્કર મારી હતી. જેમાં બે મહિલા પદયાત્રીઓનું મોત નિપજ્યુ હતું અને એકને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે અમદાવાદથી પોરબંદર જઈ રહેલા કાર ચાલકની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયો હતો.વડોદરાના પાદરા ગામના એક પરિવારની મનોકામના પૂર્ણ થતા દ્વારિકાધીશના દર્શન કરવા માટે પગપાળા નીકળ્યો હતો. ત્યારે ઉપલેટા-ડુમિયાણી વચ્ચે પહોંચ્યા ત્યારે પાછળથી આવતા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આગળ પગપાળા જતી ત્રણ મહિલા પર કાર ચઢાવી દીધી હતી. જેમાં બે મહિલાના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા.આમ કાળિયાઠાકોરના દર્શન થાય તે પૂર્વે જ આ બન્ને મહિલાઓના મોત થતા અન્ય પદયાત્રીઓમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી.