Mysamachar.in:રાજકોટ
આજના સમયમાં જો કોઈ અજાણી યુવતીના ચક્કરમાં ફસાઈ જવાઈ અને તેમાં પણ આખી હનીટ્રેપની ગેંગ હોય તો આવી બન્યું સમજો, પૈસા ખંખેરવા માટે નાનામાં નાના તાલુકાથી માંડીને મેટ્રોસીટી સુધી આવી ગેંગો કાર્યરત છે, જે પુરુષોને ફસાવી અને બાદમાં પોલીસ ફરિયાદની બીકે મોટી રકમ ખંખેરતી હોય છે, આવો જ વધુ એક કિસ્સો સૌરાષ્ટ્ના રાજકોટમાં સામે આવ્યો જેમાં જોડીયાના રસનાળ ગામના યુવાન અને ખેતીકામ કરતા હર્ષદને રાજકોટની જીન્નત ઉર્ફે બેબી રફીકભાઇ મકવાણા, હંસા અઘોલા, વિહા કટારીયા અને અજાણ્યાએ મળી કાવતરુ ઘડી ફસાવી દોઢ લાખ પડાવી લેતાં કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ કિસ્સામાં જીન્નતે લગ્નની લાલચ આપી હર્ષદને મળવા બોલાવ્યા બાદ રૂમમાં બેસાડી મીઠી વાતો કરી તેને નિર્વસ્ત્ર કર્યો હતો. એ વખતે જ અગાઉથી પ્લાન મુજબ બીજા સાગરીતો આવી જઇ અમારી ભત્રીજી સાથે કેમ ખરાબ કરે છે? કહી છરી બતાવી ધમકાવી પોલીસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. બાદમાં ફરિયાદમાં ન ફસાવું હોય તો ચાર લાખ આપવા કહ્યું હતું. અને દોઢ લાખ હર્ષદ પાસેથી પડાવી લીધા હતાં.
પોલીસ સમક્ષ ભોગ બનેલા હર્ષદએ જણાવ્યું હતું કે, હું પરિવાર સાથે રહું છું પાંચેક દિવસ પહેલા મારા મોબાઇલ ફોનમાં એક વીડિયો કોલ આવ્યો હતો. મેં તે કટ કરી નાંખ્યો હતો. દસ મિનીટ બાદ ફરી કોલ આવ્યો હતો એ નંબર પર ફોન કરતાં સામેથી લેડીઝનો અવાજ સંભળાયો હતો. મેં તેને શું કામ છે? તેમ પૂછતાં તેણે કહ્યું કે હું બહેનપણીને ફોન લગાવતી હતી અને તમને લાગી ગયો હતો. આથી મેં તેને કહ્યું કે વીડિયો કોલ તો નંબર સેવ હોય તો જ લાગે, સાચી વાત જણાવો. આથી તેણે મને વાતોમાં પરોવી મીઠી મીઠી વાતો ચાલુ કરી હતી. તેણે પોતાનું નામ બેબી હોવાનું કહ્યું હતું અને હું કુંવારો હોય તેણે પોતે લગ્ન કરવા ઇચ્છતી હોવાની વાતો કરી મને લાલચ આપી હતી.ત્યારબાદ આ નંબર પર મેં રોજ વાતો કરવાનું ચાલુ કર્યુ હતું. એ પછી તારીખ 13 નવેમ્બરના રોજ શનિવારે બેબીએ વાત કરી મને 14 નવેમ્બરના રોજ રવિવારે કુવાડવા ગામે રૂબરૂ મળવા આવવાનું કહ્યું હતું. 15 નવેમ્બરે નવાગામ-આણંદપરની રંગીલા સોસાયટીમાં સોમનાથ રેસીડેન્સી બ્લોક નં. 302માં બપોરે દોઢ વાગ્યે મળવાનું નક્કી થતાં હું એ દિવસે એ સમયે ત્યાં પહોંચી ગયો હતો. ઘરમાં જતાં એક યુવતી મળી હતી તેણે પોતે બેબી હોવાનું કહ્યું હતું. તે રૂમમાં એકલી જ હતી. મારી સાથે મીઠી મીઠી વાતો ચાલુ કરી હતી અને મારા કપડા ઉતરાવી નાંખ્યા હતાં.
એ વખતે જ એક મહિલા અને પુરૂષ આવ્યા હતાં. તેણે પોતે આ બેબીના કાકા અને કાકી હોવાનું કહ્યું હતું અને કેમ અમારી ભત્રીજી સાથે ખરાબ કામ કર્યુ છે કહી કાકાએ છરી બતાવી આ તારી સગી નહીં થાય તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસ ફરિયાદ કરવાનું કહેતાં અને લાકડીથી માર મારતાં હું ગભરાય ગયો હતો. સમાજમાં બદનામી થઇ જશે તેમ કહી હું કરગરતા તેણે ચાર લાખ આપ તો ફરિયાદ નહીં થાય તેમ કહેતા મેં આટલા બધા રૂપિયા ન હોય તેમ કહેતા અંતે તેણે દોઢ લાખ આપવાનું કહ્યું હતું. બાદમાં મેં મારા મિત્ર બળદેવને નેસડા ગામે ફોન કરી તાત્કાલિક દોઢ લાખની જરૂર છે અને હું રાજકોટ છું તેમ કહેતા તેણે સોરઠીયાવાડી સર્કલની આંગડીયા પેઢીમાં આંગડીયું કરાવે છે તેમ કહી પૈસા મોકલતા મેં ત્યાંથી પૈસા લઇ બેબીના કાકા બનીને આવેલા શખ્સને આપી દીધા હતાં. પૈસા મળી જતાં મને સોરઠીયાવાડી સર્કલે બધા છોડીને નીકળી ગયા હતાં.
જે બાદ આ મામલે હર્ષદે તેના મિત્રોને આ અંગે વાતચીત કરતા ફરિયાદ કરવા હિમ્મત આપી હતી. જે બાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવતા હનિટ્રેપની આ ટોળકીની હંસા અઘોલાની પોલીસે ધરપકડ કરી છે. હંસા અગાઉ દ્વારકાના કલ્યાણપુરમાં લગ્નના નામે છેતરપિંડીના ગુનામાં પકડાઇ હતી. જ્યારે જીન્નત ઉર્ફે બેબી ચાર મહિના પહેલા જ ગાંધીગ્રામમાં હનિટ્રેપમાં પકડાઇ હતી. વીહો આ બંને સાથે સંપર્કમાં રહેતો હોય તે તોડ કરવા સાથે જોડાયો હતો. હંસા હાથમાં આવી ગઇ હોઇ અન્ય આરોપીઓની શોધખોળ થઇ રહી છે.