Mysamachar.in-રાજકોટ
આપણી સામે નકલી તબીબો ઝડપાતા હોવાના તો અનેક કિસ્સાઓ સામે આવતા હશે, પરંતુ રાજકોટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં છ માસથી ડીગ્રી વગર લેબ ટેકનીશીયન લેબોરેટરી ચલાવતો હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે, રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 6 માસથી કોઈપણ સર્ટિફિકેટ વગર લેબોરેટરી ચલાવતા ઇસમની રૂ.90,380ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ખ્વાઝા ચોક નજીક સ્પર્શ લેબોરેટરી ખાતે રેડ કરી તપાસ કરતા લેબોરેટરી ખાતે કોઈ પણ ડિગ્રી સર્ટિફિકેટ વગર બ્લડ તેમજ યુરિન ટેસ્ટ કરવામાં આવતું હોવાનું સામે આવતા પોલીસે ઇર્શાદ નકાણી નામના શખ્સની ધરપકડ કરી ટેસ્ટિંગ કીટ સહીત મશીન અને દવા જથ્થો કબ્જે કર્યો હતો.
પોલીસ તપાસમાં ઇસમેં બીએસસી સુધી અભ્યાસ કર્યો હોવાનું અને પોતાની ખુદની લેબોરેટરી ખોલવાનું સ્વપ્ન હોવાથી છેલ્લા 6 માસથી લેબોરેટરી ખોલી બ્લડ તેમજ યુરિન ટેસ્ટ કરતો હોવાનું સામે આવ્યું છે. આ સાથે આ ઇસમ ઇર્શાદ દર્દી પાસેથી CBC અને CRP ટેસ્ટ માટે રૂપિયા 400 વસુલતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે IPC કલમ 419 તેમજ મેડિકલ પ્રેકટીશનર કલમ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.