Mysamachar.in-રાજકોટ
રોજ કેટલાય મુસાફરો જામનગર થી રાજકોટ અને રાજકોટ થી જામનગર અવરજવર કરવા માટે ઇકોકારમાં બેસીને મુસાફરી કરે છે, આ કારમાં કરવામાં આવતી મુસાફરીના કેટલાય અકસ્માતોના બનાવો સામે આવી ચુક્યા છે, ત્યારે આજે પડધરી બાયપાસ પાસે આજે મુસાફરોને બેસાડીને પૂરપાટ ઝડપે જતી એક ઇકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવતા પલટી મારી ગઈ હતી. પલટી મારતા જ કાર બે ગોથા ખાઇ ગઇ હતી. જોકે, આ બનાવમાં મોટી જાનહાનિ પહોંચી નથી. અંદર બેસેલા મુસાફરોને સામાન્ય ઇજા પહોંચતા તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ અકસ્માતના લાઇવ દૃશ્યો હાઇવે પર એક પેટ્રોલ પંપના સીસીટીવીમાં કેદ થયા છે. દ્રશ્યોમાં જોવા મળે છે તેમ અચાનક જ ચાલક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવે છે અને કાર પલટી મારી જાય છે. બાદમાં હાઇવે પર ઇકો કાર ગોથા ખાવા લાગે છે. બાદમાં 20 ફૂટ સુધી રોડ પર જ ઢસડાતી નજરે પડે છે.