Mysamachar.in-રાજકોટ
રાજકોટના મવડી ગામ બાપા સિતારામ ચોક નજીક રામનગર-1માં રહેતાં હેતલબેન નિલેષભાઇ લાઠીયા 18 ઓગસ્ટના ઘરે એકલા હતાં, ત્યારે સાધુના વેશમાં એક શખ્સ આવ્યો હતો અને પીવાનું પાણી માંગતા હેતલબેને એક ગ્લાસ પાણી આપ્યું હતું. એ પછી તેણે બીજો ગ્લાસ માંગ્યો અને તક જોઇ પાણીમાં સાકર ભેળવી હેતલબેનને ‘આ પ્રસાદી છે પી લે તો તારી બિમારી, શારીરિક પીડાઓ દૂર થઇ જશે’ તેવી વાતો કરી હતી. હેતલબેને પાણી જોતાં તે અલગ લાગતાં પોતાના જ ઘરનું પાણી અલગ સ્વાદનું કઇ રીતે થઇ ગયું? એમ વિચારતાં હતાં ત્યાં જ એ સાધુએ તકલીફો દૂર કરવા તારા ઘરમાં સોના ચાંદીના દાગીના પડ્યા હોય તો તેની વિધિ કરવી પડે તેવી વાતો કરી અને હેતલબેનને વાતોમાં ભોળવી લીધા હતા.
તો સાધુના વેશમાં આવેલ શખ્સની વાતોમાં આવી ગયેલા હેતલબેને ઘરમાંથી દાગીનાની થેલી કાઢીને તેને આપી દીધી હતી. એ પછી સાધુએ ‘હવે મારે ચા પીવી છે’ તેમ કહેતાં હેતલબેન ચા બનાવવા ગયા ત્યાં સુધીમાં સાધુના વેશમાં આવેલ શખ્સ આ દાગીના સાથે રફુચક્કર થઇ જતા તાલુકા પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો હતો. પોલીસ ફરિયાદ બાદ આ શખ્સ આ પ્રકારના વધુ ગુન્હોનોએ અંજામ ના આપે તે માટે તેને ઝડપી પાડવા વિવિધ દિશાઓમાં કામે લાગતા અંતે પોલીસને સફળતા મળી છે, એવામાં સચોટ બાતમીના આધારે પોલીસે સાધુના વેશમાં ફરતા આ ગઠીયો મોટા મવા પુલ પાસે આવ્યાની પાક્કી બાતમી મળતાં તેને પકડી લઇ રૂ. 6,67,500ના સોના ચાંદીના દાગીના તેની પાસેથી કબ્જે કર્યા છે. હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી આરોપીને તાલુકા પોલીસ ને સોંપવામાં આવ્યો છે.