Mysamachar.in-રાજકોટ
રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ સ્ટેટ GSTના અધિકારી વિક્રમ દેવરખીભાઇ કનારા અને વર્ગ 3 નો કર્મચારી અજય શીવશંકરભાઇ મહેતાની શહેરના ભુતખાના ચોક પરથી રૂ.3.50 લાખની લાંચ લેતા રંગે હાથ ધરપકડ કરી છે. ફરીયાદીની પેઢીનો માલ બે ટ્રકમાં રાજકોટથી બામણબોર જી.આઇ.ડી.સી ખાતે જતો હોય દરમ્યાન આરોપી વિક્રમ કનારા અને અજય મહેતાએ બંને ટ્રકોને રોકી ટ્રકો સાથે રહેલ માલના બિલ તથા ઇ-વે બિલ ખોટા હોવાનું જણાવી, જી.એસ.ટી.ની કલમ હેઠળ ડીટેઇન કરવાનું કહેતા, ફરીયાદી તથા તેના ભાગીદાર દ્વારા બિલ સાચા છે તેવી રજુઆત કરવા છતાં માલ ભરેલી બંને ટ્રકો જી.એસ.ટી.ના કાયદા મુજબ ડીટેઇન ન કરવા અને જવા દેવા બદલ બન્ને આરોપીએ વચેટિયા મનસુખલાલ હીરપરા મારફતે ફરીયાદી તથા તેના ભાગીદાર સાથે વાતચીત કરી, રૂ.8 લાખની લાંચની માંગણી કરી હતી.જે બાદ રકજકના અંતે આરોપીએ મળી ફરીયાદી તથા તેના ભાગીદાર પાસેથી રૂ.4 લાખની લાંચ લેવાનું નકકી કરી, બંને ટ્રકો જવા દીધા હતા. ત્યારબાદ બીજા દિવસે GSTના બન્ને દીધેલ અધિકારી વતી વચેટિયા મનસુખલાલ હીરપરાએ રૂ.50 હજાર ફરિયાદી પાસેથી લીધા હતા.
આ સફળ ટ્રેપ બાદ એસીબીએ નિયમમુજબ સરકારી અધિકારી કર્મચારીને ઘરે ઝડતીની કાર્યવાહી કરતા ઝડપાયેલ GST અધિકારી વિક્રમ કનારા જેની તો હજુ નોકરીના શરૂઆત વર્ષો છે તેના ઘરે ઝડતી તપાસ દરમિયાન એસીબીને અંદાજે 7 લાખ જેટલી રોકડ રકમ મળી આવી છે, હવે આ રકમ ક્યાંથી આવી તે એસીબી તપાસ કરશે, તો આ કેસમાં ઝડપાયેલ મનસુખલાલ હીરપરા જેની વચેટિયા તરીકેની ભૂમિકા સામે આવી છે તે પણ આ જ કચેરીમાંથી થોડા વર્ષો પૂર્વે નિવૃત થયાનું પણ એસીબીની તપાસમાં સામે આવ્યું છે.