Mysamachar.in-રાજકોટ
કેટલાય બાળકોને કોઈ ને કોઈ કારણોસર અથવા તો કોઈ મજબુરીમાં જન્મતા વેંત જ તરછોડી દેવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, જે બાદ આવા બાળકોનો અલગ અલગ શહેર જીલ્લામાં આવેલ બાલાશ્રમ, અનાથઆશ્રમ સહિતની સંસ્થાઓમાં ઉછેર થતો હોય છે, પણ આવા તરછોડી દેવામાં આવેલ બાળકોને પણ દત્તક લેનાર દંપતીઓ કે સિંગલ મધર મળી જતા હોય છે, જે આવા બાળકોને દત્તક લેવાની વિધિ પૂર્ણ કરી દત્તક લઇ અને તેને ઉછેરે છે અને માતા પિતા તરીકેનો પ્રેમ આપે છે. અને આવા બાળકોના જીવનમાં નવો ઉજાશ પથરાઈ જાય છે, આવો જ વધુ એક બાળક હવે રાજકોટથી માયાનગરી મુંબઈમાં પહોચશે…
રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમના પારણામાં કોઈ નિષ્ઠુર માતાએ પોતાને બાળકને મજબૂરી કે કોઈ અન્ય કારણોસર તરછોડી દીધો હતો, તરછોડાયેલા બાળકની ઉંમર હાલ 4 મહિનાની અને તેનું નામ હરી છે, હરીને ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતી અપરિણીત મહિલા સપના કપૂરે હરિને દત્તક લીધો છે. સપનાએ પણ સિંગલ મધર બનવાનું પસંદ કર્યું હતું, આથી તેણે બાળકને દત્તક લેવા માટેની તમામ પ્રક્રિયા હાથ ધરી હતી. એમાં અનાથ બાળકો માટે કામ કરતી કારા સંસ્થાએ આ હરિને દત્તક આપવાનું નક્કી કર્યું હતું. આ તમામ દત્તક વિધિની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે સપના કપૂરનું ‘મા’ બનવાનું સ્વપ્ન પૂરું થયું છે.
મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતી સપના કપૂરે સિંગલ મધર બનવાનું નક્કી કર્યું છે. તે હરિને માતાની મમતા સાથે પિતાની હૂંફ પણ આપશે. થોડા સમય પહેલાં દિલ્હીમાં રહેતાં તેના ભાઈ અને ભાભીએ અનાથ બાળકીને દત્તક લીધી હતી. સપના કપૂરના જણાવ્યા મુજબ, બાલાશ્રમના પ્રમુખ હરેશભાઇ વોરાએ જણાવ્યું હતું કે આજે અમને આનંદ છે કે અમારા આશ્રમનું બાળક મુંબઇના સપના કપૂર નામની મહિલાને દત્તક આપ્યું છે. આશ્રમમાંથી માતા-પિતા બંને આવીને બાળકને દત્તક લેતાં હોય છે, પરંતુ એ વાતનો આનંદ છે કે સપના કપૂર સિંગલ મધર તરીકે બાળકને માતા-પિતાનો પ્રેમ આપશે. સપના ખૂબ સારી કંપનીમાં નોકરી કરે છે. બાળકને ખૂબ સારી રીતે રાખશે એવો અમને વિશ્વાસ છે. આજે સુખી અને શિક્ષિત પરિવાર ચાર મહિનાના ભૂલકા હરિને મળ્યો છે. જેથી હવે હરિનું જીવન પણ ખીલી ઉઠશે.