Mysamachar.in-રાજકોટ
જયારે પોલીસ કોઈ તસ્કર ગેંગને ઝડપી પાડે ત્યારે આ ગેંગમાંથી કેટલીય વખત નવા રોચક તથ્યો સામે આવતા હોય છે, ક્યારેક કોઈ ગેંગ માત્ર એકટીવા કે એક્સેસ તો કોઈ ગેંગ માત્ર ઇકો કારના સાયલેન્સર ચોરતી હોવાનું અત્યારસુધીમાં સામે આવી ચુક્યું છે, ત્યારે હવે રાજકોટ પોલીસે માત્ર સ્કોર્પિયો કારની ચોરી કરતી ગેન્ગના 4 શખ્સોને ઝડપી પાડતા મોટો ભેદ ઉકેલાયો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સ્કોર્પિયો સહિતના વાહનો ઉઠાવી જઇ ડ્રગ્સ માફિયાઓને તે વાહન સસ્તામાં વેચતી રાજસ્થાની ગેંગનો રાજકોટ પોલીસે પર્દાફાશ કરી ચાર શખ્સને ઝડપી લઇ બે કાર સહિત કુલ રૂ.7.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વાહન ઉઠાવગીર ગેંગે 18 ચોરીની કબૂલાત આપી હતી. વાહન ઉઠાવગીર ગેંગ રાજસ્થાની શખ્સોની હોવાની અને તે છાશવારે રાજકોટ આવતી હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચની ટીમ વોચમાં હતી, અનેક વખત પોલીસે પીછો પણ કર્યો હતો પરંતુ તે હાથ આવી નહોતી, રાજસ્થાની ગેંગ વધુ એક શિકાર માટે આવી હોવાની ચોક્કસ માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચની ટીમ ફરી એલર્ટ થઇ હતી અને ગેંગના ચાર શખ્સને ઝડપી લીધા હતા. પોલીસે રાજસ્થાનના આંબાકા ગામના ઓમપ્રકાશ ખંગારામ સુર્જનરામ ખીલેરી, નમલીપટલાને ગામના અર્જુન ઉર્ફે અર્જુનરામ ઉર્ફે અનિલ રઘુનાથારામ ખીલેરી, પુરગામના ઓમપ્રકાશ ઉર્ફે પ્રકાશ ભગવાનરામ વગદારામ અને પાલડી ગામના પીરારામ લાડુરામ જાણીને ઝડપી લઇ બે સ્વિફ્ટ કાર, કાર સ્કેનર, જીપીએસ ઇન્સ્ટ્રુમેન્ટ, ચાર મોબાઇલ, બે ડિસમિસ અને ચાર અલગ અલગ નંબર પ્લેટ કબજે કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં રાજસ્થાની ગેંગે પોતાની ગેંગમાં ચવાગામના મોટારામ મુળારામ કડવાસરા, મોખાત્રાના બંશીલાલ અન્નારામ ખીલેરી, પનોરિયાના ઓમપ્રકાશ ઉર્ફે પિન્ટુ મંગલારામ ખીલેરી અને અરણાયના ઓમપ્રકાશ જોરારામ ખીલેરી હોવાની કબૂલાત આપી હતી તથા આ ગેંગે આણંદ, ગાંધીધામ, મોરબી, નડિયાદ, પેટલાદ, રાજકોટ, સાણંદ, સુરેન્દ્રનગર, વડોદરા, ગાંધીધામ અને ગુડગાવમાંથી કુલ 18 કાર ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી, આ ગેંગ ખાસ કરીને સ્કોર્પિયોની જ ચોરી કરતી હતી અને સ્કોર્પિયો ચોરી કરી ડ્રગ્સ માફિયાઓને વેચી દેતા હતા. ડ્રગ્સની હેરાફેરીમાં ચોરાઉ વાહનનો ઉપયોગ થતો હતો. પોલીસે અન્ય ચારને પકડવાની તજવીજ શરૂ કરી હતી.
ગુજરાતમાંથી વાહન ચોરી કર્યા બાદ રાજસ્થાનના ડ્રગ્સ માફિયાઓને તે વાહન વેચી દેતા હતા, ડ્રગ્સ માફિયાઓ ચોરાઉ વાહનનો ઉપયોગ કરતા જેથી પોલીસ પીછો કરે ત્યારે વાહન મૂકીને ભાગી જાય અને પોતાની ઓળખ સ્પષ્ટ થાય નહીં. રાજસ્થાની ગેંગ 15 થી 20 લાખની કિંમતનું વાહન ચોરી કરતા હતા જે ડ્રગ્સ માફિયાઓને માત્ર 2 થી 3 લાખ રૂપિયામાં વેચી રોકડી કરી લેતા હતા હોવાનું પણ તપાસમાં આવ્યું છે. વધુમાં આ કારમાં યાંત્રિક બાબતોએ પોલીસ કંપનીનું ધ્યાન પણ કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરશે.