Mysamachar.in-રાજકોટ
રાજકોટ શહેરના સોનીબજારમાં મેઈન રોડ પર જૈન દેરાસર પાસે આવેલા સોના-ચાંદીના શો-રૂમમાં અજાણી મહિલા ખરીદી કરવાના બહાને શો-રૂમમાં આવી વેપારીની નજર ચૂકવી 3 કિલો ચાંદીના દાગીના ભરેલો ડબ્બો સેરવી ફરાર થઇ જતાં શહેરના એ-ડિવિઝન પોલીસમાં સોની વેપારીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ લૂંટ અંગે પોલીસેને ‘સાત નારી ગેંગ’ પર શંકા છે.
જૈન દેરાસર પાસે આવેલા શક્તિ જવેલર્સ નામનો શો-રૂમ ધરાવતા અનિલભાઈ રાજેશભાઈ મુંધવા નામના સોની વેપારીએ એ-ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે બપોરના સમયે પોતે ઘરે જમવા ગયા હતા ત્યારે સોનીબજારમાં આવેલા શો-રૂમના તેના પાર્ટનર નવીનભાઈ ચમનભાઈ ભંડી બેઠા હતા. એ દરમિયાન બપોરના સમયે અજાણી ચાર મહિલા ચાંદીના દાગીના ખરીદી કરવા આવી હતી.
મહિલાઓ ચાંદીની અલગ-અલગ આઈટમો ચેક કરવાના બહાને વેપારીને દાગીના બતાવવામાં વ્યસ્ત રાખી એક મહિલા વેપારીની નજર ચૂકવી દાગીના ભરેલો કબાટ ખુલ્લો હોઈ, એમાંથી 3 કિલો ચાંદીના દાગીના ભરેલો એક ડબ્બો ચોરી કરી નાસી ગઈ હતી. બનાવ બાદ સાંજે વેપારીએ સ્ટોકની ગણતરી કરતાં તેમને માલૂમ પડ્યું હતું કે દાગીનાની ચોરી થઇ છે. બાદમાં શો-રૂમમાં લગાવેલા CCTV કેમેરા ચેક કરતાં મહિલા ચોરી કરતી નજરે પડી હતી.