Mysamachar.in-રાજકોટ
આજના સોશ્યલ મીડિયાના ઝડપી યુગમાં લોકો વારંવાર છેતરપીંડીનો ભોગ બની રહ્યા છે, ત્યારે જો તમે પણ સાવચેતી નહિ દાખવો તમારી એક ભૂલ તમને પરેશાન કરી શકે છે, સાઈબર ક્રાઈમના કેસોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે સોશિયલ મીડિયાના ગઠિયાઓએ પોર્નને ટાર્ગેટ બનાવ્યું છે. અને છેતરપીંડી અને નાણા કઢાવવા માટે માટે નવી મોડસ ઓપરેન્ડી બનાવી છે. રાજકોટમાં છેલ્લા છ મહિનામાં સોશિયલ મીડિયાથી 414 લોકોને ફસાવી બ્લેકમેઇલ કરવામાં આવ્યાનું રાજકોટ પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાં સૌથી વધુ પોર્ન યુઝર્સ ફસાયા છે. યુઝર્સ પોર્ન વીડિયો જુએ ત્યારે તેને ખબર પણ હોતી નથી કે આ વીડિયો તેને બરબાદી તરફ લઈ જાય છે.
આ મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો પુરુષોને સૌથી પહેલા યુવતીના નામે ફોન કે મેસેજ કરવામાં આવે છે. ત્યાર બાદ યુવતી તેને મીઠી-મીઠી વાતોમાં ફસાવે છે. આ બાદ વ્યક્તિના નંબર પર વીડિયો કોલ આવે છે. જેને રિસીવ કરતા જ તેમાં પોર્ન વીડિયો ચાલુ થઈ જાય છે. આ દરમિયાન પોર્ન જોનારા લોકોનું રેકોર્ડિંગ થઈ જાય છે. બાદમાં આ જ રેકોર્ડિંગથી લોકોને બ્લેકમેઈલ કરવામાં આવે છે. રેકોર્ડિંગ બતાવીને તેની પાસેથી ધારી રકમ કઢાવવા આ ગેંગ સક્રિય થઇ છે. અને આ ઓપરેન્ડી હેઠળ ફસાઈ અને કેટલાક લોકોએ રૂ.10 હજારથી માંડી 1 લાખ સુધીની રકમ ગુમાવી છે.
જો તમને શનિવાર-રવિવારની રજામાં બેંકના આર્થિક વ્યવહાર માટે ફોન આવે તો ચેતી જજો. રજાના દિવસોમાં છેતરપીંડીના કરનારા ફોન કરે છે. માટે આવા ફોનકોલ્સ ને જતા કરવા,અજાણી વ્યક્તિ દ્વારા ઓટીપી માગવામાં આવે ત્યારે કોઇપણ સંજોગોમાં તેને ઓટીપી આપતા નહિ, અરે ત્યાં સુધી કે અજાણી વ્યક્તિનો વીડિયો કોલ રિસીવ કરવો નહિ, જો ફોન ભૂલથી રિસીવ થઇ જાય તો સામી વ્યક્તિ કહે તેમ કરવું નહિ આમ તમે ભલે સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોમનો ઉપયોગ કરતા હોવ પણ સાવચેતી એટલી જ જરૂરી છે જો સાવચેતી ના દાખવી અને તમે એક પણ ભૂલ કરશો સામેવાળી વ્યક્તિ તે તકનો લાભ લઇ અને તમને બ્લેકમેલ કરી શકે છે.