Mysamachar.in-રાજકોટ
રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવાના ફાડદંગ ગામમાં રહેતા અને જમીનની દલાલીનું કામ કરતા વલ્લભભાઇ ખૂંટ નામના ખેડૂતનું 9 લાખની ખંડણીના ઇરાદે અપહરણ કરી રમકડાની રિવોલ્વર બતાવી 3.85 લાખની ખંડણી વસૂલ્યા પછી વધુ 5.15 લાખ માટે ધમકી આપનાર એક બાળ તહોમતદાર સહિત ફાળદંગ સુરતના ચાર આરોપીને ક્રાઇમ બ્રાંચે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલ્લભભાઈને શિવરાજ ધીરુભાઇ વાળા નામના શખસે ફોન કરીને પોતાની વાડીએ મળવા બોલાવ્યા હતા. વલ્લભભાઇ વાડીએ પહોંચ્યા ત્યારે શિવરાજ ઉપરાંત અન્ય ત્રણ અજાણ્યા શખસ હાજર હતા. આ સમયે શિવરાજે રિવોલ્વર જેવું હથિયાર બતાવીને વલ્લભભાઇને સફેદ કલરની ક્રેટા કારમાં બળજબરીથી બેસાડીને અપહરણ કર્યું હતું.બાદમાં અલગ અલગ જગ્યાએ લઇ જઇ તમે જમીનની દલાલીમાં ખૂબ કમાયા છો, તેમ કહી ગાળો ભાંડી હતી અને જીવતા રહેવું હોય તો 15 લાખ આપવા પડશે તેમ કહી 15 લાખની ખંડણી માગીને છેલ્લે 9 લાખ આપવા જ પડશે તેવી ધમકી આપી બે કટકે 3.85 લાખ પડાવી લીધા હતા. બાકીના 5.15 લાખની ઉઘરાણી માટે ધમકીઓ શરૂ થતાં ભયભીત વલ્લભાઇએ આ મામલે કુવાડવા પોલીસ મથકમાં અરજી કરી હતી.
ખંડણી વસૂલનાર શિવરાજ સહિત ચારેય શખસ કુવાડવાથી રફાળા જવાના રસ્તેથી પસાર થવાના હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચની ટીમને મળી હતી. જેના આધારે વોચ ગોઠવી સફેદ કલરની ક્રેટા કારમાં પસાર થઇ રહેલા શિવરાજ ધીરુભાઇ વાળા, સૌરવ બાલુભાઇ હીરાણી, લાલજી ઉર્ફે આર્મીબોય ગોવીંદભાઇ સોજીત્રા અને સુરતના એક બાળ આરોપીને પકડી પાડ્યા હતા. આ સમયે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા 3.85 લાખ તેમજ કારના આગળના ખાનામાંથી પ્લાસ્ટિકની રિવોલ્વર કબ્જે કરી હતી.