Mysamachar.in-રાજકોટ
રાજ્યના જાણિતા મંત્રીના સંબંધી એવા ઈજનેરને PGVCLમાં પ્રમોશન આપવાનો મામલો ભારે ગરમાયો છે, અને આ અંગે પીએમ ઓફીસથી માંડીને સીએમ ઓફીસ અને ઉર્જા મંત્રી સુધી લેખિત રજૂઆત અને આક્ષેપ ખુદ PGVCLના કાર્યપાલક ઈજનેર એ.એ.છત્રોલા દ્વારા કરવામાં આવ્યો છે. આ માટે યોગ્ય કાર્યવાહી કરવા રાજકોટ જિલ્લાના જેતપુર એલ.એમ.યુ. PGVCLના કાર્યપાલક ઇજનેર એ.એ.છત્રોલા દ્વારા PMO અને CMOમાં લેખિત રજુઆત કરી રાજ્યના એક મંત્રી પર પણ નિશાન સાધવામાં આવ્યું છે (જો કે તે મંત્રીનું નામ રજુઆતમાં જોવા નથી મળ્યું તે વાત અલગ છે,)
તાજેતરમાં PGVCLમાં ગેરવહીવટી અને ગેરબંધારણીય રીતે પ્રમોશન આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ ખુદ PGVCLના કાર્યપાલક ઇજનેર દ્વારા કરવામાં આવ્યો છે. પત્રમાં કરેલી રજુઆત મુજબ ગત તારીખ 24 માર્ચ 2021ના રોજ અધિક્ષક ઈજનેર તરીકેના પ્રમોશન અન્વયે રખાયેલ ઇન્ટરવ્યૂ વખતે જેતપુરના કાર્યપાલક ઇજનેર સહિત 10 જેટલા સિનિયર ઇજનેરો યોગ્યતા ધરાવતા હોવા છતાં ઇન્ટરવ્યૂ આપવામાંથી બાકાત રખાયા હતા.
પરંતુ ત્વરિત એજીવીકેએસ અને જીબિયા યુનિયાનો દ્વારા સામૂહિક રજુઆતો થવાથી ઉપરોક્ત તારીખે ઇન્ટરવ્યૂ કેન્સલ કરાવામાં આવ્યું હતું. આથી ફરીથી 28 એપ્રિલ 2021ના રોજ રખાયેલા ઇન્ટરવ્યૂમાં અગાઉ બાકાત કરાયેલા બધા જ ઇજનેરોનો સમાવેશ કરાતા મંત્રીના સંબંધી ઈજનેરનો ઇન્ટરવ્યૂમાં સમાવેશ થયો નહોતો. જેના કારણે 28 એપ્રિલના રોજ રખાયેલા ઇન્ટરવ્યૂ પણ કેન્સલ કરવાની ફરજ પડી હતી અને ફરીથી તેનો સમાવેશ કરી 15 મે 2021ના રોજ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યો હતો. જે કંપનીના રેકોર્ડ પર છે.
વધુમાં આ રજૂઆત કરનાર કાર્યપાલક ઈજનેર એ.એ.છત્રોલા દ્વારા લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, 25 માર્ચ 2021ના રોજ રખાયેલા ઇન્ટરવ્યૂમાં બાકાત કરાયેલા બધા જ ઇજનેરો અધિક્ષક ઇજનેરના પ્રમોશન માટે લાયકાત ધરાવતા હતા. એટલે કે 25 માર્ચ 2021 પહેલા જ અધિક્ષક ઇજનેરોના પ્રમોશન અન્વયે પૂર્વ આયોજિત રીતે નામો નક્કી જ થયા હતા અને જે બાબતે ત્યારે જ પીજીવીસીએલમાં જગ જાહેર થઈ ગયું હતું. મંત્રીના સંબંધીને યેનકેન પ્રકારે ગેરવહીવટ અને ગેરબંધારણીય રૂપે પ્રમોશન અપાયું હોય તેવો આક્ષેપ કરી અને ઘણા સમૂહમાં ઇજનેરો સાથે અન્યાય થયો હોવાનું જણાવ્યું હતું. અને કુદરતી ન્યાયની વિરુદ્ધ થયેલા પ્રમોશનના ઓર્ડરો રદ કરી ન્યાયિક કાર્યવાહીઓ હાથ ધરવા માગ કરી છે.