Mysamachar.in-રાજકોટ
રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, જે ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે, રાજકોટમાં સતત કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતાં તંત્ર અને આરોગ્ય વિભાગ ચિંતામા મૂકાયું છે. તો બીજી તરફ આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ લોકોની પાસેથી રૂપિયા મેળવી સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી તબીબ પિતા-પુત્ર પૈકી પિતાની ધરપકડ કરી નકલી તબીબ પુત્રની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વાત કઈક એવી છે કે રાજકોટ બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે કુવાડવા રોડ પર આવેલા ધી ગ્રેટ ભગવતી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટમાં કેટલાક લોકોની અવર-જવર વધુ જોવા મળી રહી છે.
જે બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ગયેલી ટીમને હોટલની બહાર ઉભેલા લોકોને પૂછપરછ કરતાં તેઓએ અંદર કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. હોટલની અંદર જતા બી ડિવિઝન પોલીસના અધિકારીઓને કોરોના સંક્રમિત દર્દીઓ દાખલ થયેલા જોવા મળ્યા હતા. તેમજ દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર મારફત ઓક્સિજન આપવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી ત્યાં હાજર હોટેલના માલિક હેમંતભાઇ દામોદરભાઇ રાજાણીને આ બાબતે પૂછતા જણાવ્યું હતું કે, પોતાનો દિકરો શ્યામ હેમંતભાઇ રાજાણી આ કોરોનાના દર્દીઓની સારવાર કરે છે. તેમજ હેમંતભાઇ રાજાણી પોતાના દીકરાને આમાં મદદ કરે છે. જેથી બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્યામ રાજાણી વિરુદ્ધ બોગસ ડોક્ટરનો ગુનો દાખલ થયેલો હોવાનું સામે આવ્યું હતું પોલીસ પ્રાથમિક તપાસમાં આરોપી હેમંત રાજાણી કે તેના દિકરા શ્યામ રાજાણી પાસે કોઇ માન્ય સંસ્થાનુ તબીબી પ્રેક્ટીસ કરવા માટે કોઇ ડીગ્રી કે પ્રમાણપત્ર ન હોવાં છતાં નકલી ડોક્ટર બની દર્દીઓ પાસેથી એક દિવસના 18000 જેટલો ચાર્જ લઇ જાહેર જનતા સાથે છેતરપિંડી કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હતા. આ ઉપરોક્ત હોટેલના માલિક હેમંત રાજાણી તથા તેમના દિકરા શ્યામ રાજાણી વિરુદ્ઘ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ફરાર પુત્ર શ્યામ રાજાણીને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.