Mysamachar.in-રાજકોટ
સામાન્ય રીતે વાહન જ ચોરી કરવા મળતું હોય તો તસ્કરો તેમાં રહેલ વસ્તુઓને શા માટે નિશાન બનાવે આવો વિચાર આવે પણ…ના આવું નથી રાજકોટમાં એક એવો તસ્કર ઝડપાયો છે વાહનો નહિ પરંતુ વાહનોની ડેકી તોડી અંદર રહેલ ચીજવસ્તુઓની ચોરી કરતો હતો, જીવરાજપાર્ક, અંબિકા ટાઉનશિપ પાસે એક શખ્સ ઘર પાસે પાર્ક કરેલા વાહનોની ડેકી ફંફોળતો હોવાની તાલુકા પોલીસને માહિતી મળી હતી. જેના આધારે તુરંત એક ટીમ ત્યાં દોડી જઇ રૈયારોડ, જીવનનગર-5માં રહેતા નિકુંજ ઉર્ફે જીગો સુનિલ ચોટલિયા નામના શખ્સને પકડી પાડ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી જુદા જુદા વાહનોની પાંચ ચાવી, મોબાઇલ, એક્ટિવા તેમજ રોકડા રૂ.7 હજાર મળી આવ્યા હતા.
ઝડપાયેલા શખ્સની અટકાયત કરી પોલીસમથક લઇ જવાયો હતો. આકરી પૂછપરછમાં નિકુંજે છેલ્લા એક વર્ષમાં 18 ટુ વ્હિલરની ડેકી તોડી અંદરથી રોકડ ઉપરાંત મોબાઇલ, સોનાના ઘરેણાંની ચોરી કર્યાની કબૂલાત આપી છે. 2017 અને 2018માં ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા નિકુંજની ધરપકડ કરી વધુ ચોરીના બનાવનો ભેદ ઉકેલવા પૂછપરછ હાથ ધરી છે.