Mysamachar.in-રાજકોટ
આંતર જિલ્લાઓમાં ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતી શિકલિંગર ગેંગના ત્રણ સભ્યોને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી રૂપિયા 2 લાખ 87 હજારથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય LCBએ શિકલિંગર ગેંગના ધરમસિંગ મંગલસિંગ બાવરી, દર્શન સિંગ ઉર્ફે ટકલુ, ઇમરત સિંગ દુધાણી નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે, અર્જુન સિંગ ઉર્ફે અજજુ સિંગ બચ્ચન સિંગ સિકલિંગરને ઝડપી પાડવા શોધખોળ શરૂ કરી છે.
તાજેતરમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં થયેલા ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટે એલસીબીની જુદી-જુદી ટીમ બનાવી આરોપીઓની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે, તાજેતરમાં જ રાજકોટ ગ્રામ્ય તથા જૂનાગઢ જિલ્લામાં ઘરફોડ ચોરી તથા ફોર વ્હીલ વાહન ચોરીના બનાવમાં સામેલ આરોપીઓ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોમટા ચોકડી પાસે હરી ફરી રહ્યા છે. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમીના આધારે ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓની પૂછપરછમાં આરોપીઓએ રાજકોટ તેમજ જૂનાગઢની અંદર કુલ 10 જેટલા ગુના કર્યાની કબુલાત આપી છે.