Mysamachar.in-રાજકોટ
મિત્રતા એક એવો સબંધ છે, જેમાં ગાઢ મિત્રો તો એવા હોય જે એકબીજા પર મરી જવા તૈયાર થઇ જાય…પણ રાજકોટમાં મિત્રતાના સબંધને લાંછન લગાવતો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે, રાજકોટ શહેરમાં ચક્ચાર મચાવનાર આ ઘટનામાં મિત્ર દ્વારા જ મિત્રને સાથે લૂટનું કાવતરું ઘડયું હોવાનું સામે આવ્યું છે. શહેરના રેલનગર વિસ્તારમાં હિતેશ મુંગરા નામના ફરિયાદીને માર મારી તેમને પહરેલ સોનાની ઘડિયાળ તેમજ સોનાના કડાની ધાડ પાડવામાં આવી છે. મામલામાં કોઈજાણભેદુ હોવાની આશંકાએ પોલીસ તે દિશામાં તપાસ કેન્દ્રિત કરતા પોલીસ દ્વારા પાંચ જેટલા આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી લેવામાં આવી છે.
હિતેશ મુંગરા નામનો વ્યક્તિ 18 તારીખના રોજ બેડી ચોકડી પાસે આવેલ રામાપીરના મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યારે હિતેશભાઈની સાથે તેનો મિત્ર શાહરૂખ પણ તેની સાથે હતો.મામાપીરના મંદિરે દર્શન કરી પરત ફરતા રેલનગર સાધુવાસવાણી કુંજ રોડ ઉપર આરોપી શાહરૂખ દ્વારા પૂર્વ આયોજિત કાવતરું મુજબ બાથરૂમ જવાનું બહાનું કાઢીને મોટરસાઇકલ ઉપર રાખવામાં આવ્યું હતું. તે અરસામાં પાંચ જેટલા ઈસમો અલગ-અલગ મોટરસાયકલ લઈ હિતેશ પાસે આવી પહોંચ્યા હતા અને તેને ઘેરી લીધો હતો. ત્યારબાદ હિતેશને ઢીકા પાટુંનો માર મારી ધાડ પાડી લૂંટ ચલાવી હતી. હિતેશે હાથમાં પહેરેલી સોનાની ઘડિયાળ તેમજ સોનાનું કડું લૂંટી આરોપીઓ નાસી ગયા હતા.
સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસને ફરિયાદ મળતાં જ ફરિયાદીને સાથે રાખી તેમજ ફરિયાદીના મિત્ર શાહરૂખની પુછપરછ કરતા તેણે પોતે લૂંટ કરીને નાસી જવાનું કાવતરુ રચેલું હોવાનું જણાવ્યું હતું. ભોગ બનનારનો મિત્ર મુખ્ય આરોપી શાહરૂખની પુછપરછ કરવામાં આવતા તેને પોતાની સાથે રહેલા સહ આરોપીઓના નામ સરનામા આપ્યા હતા. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં છ આરોપીઓ પૈકી પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જ્યારે કે એક આરોપીની શોધખોળ હજુ પણ શરૂ છે. પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા લૂંટમાં ગયેલ 4.66 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

























































