Mysamachar.in-રાજકોટ
પેટ્રોલપમ્પ ધારકોની વારંવારની સીએમ સુધી રજુઆતો બાદ વિજયરૂપાણી દ્વારા બાયોડીઝલના હાટડાઓ બંધ કરવા માટે સુચના આપવામાં આવી છે, છતાં ઠેર ઠેર તંત્રની મીઠી નજર હેઠળ છાને ખૂણે બાયોડીઝલનું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે, અને જેને કારણે સરકારને ટેક્સની આવક માં ખોટ થઇ રહી છે, આ તમામ વચ્ચે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ઠેરઠેર બાયોડીઝલનું વેચાણ છાને ખૂણે કરવામાં આવી રહ્યું છે. કેટલીક જગ્યાએ તંત્ર પણ આંખ મીંચામણીનો ખેલ રમી રહ્યું હોય તેવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને તેની ટીમ દ્વારા 24 હજાર લિટર બાયોડીઝલનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
કુવાડવા પોલીસ સ્ટેશન નજીક આવેલા પટેલ વિહાર રેસ્ટોરન્ટ પાસે ખોડીયાર મોબાઇલ શોપ નામની દુકાનમાં બાયોડીઝલનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા જલદ પ્રવાહી ભરેલી ટેન્કરની ટેન્ક પ્લાસ્ટિકની ટાંકીઓ તેમજ બેરલમાં સંગ્રહ કરવામાં આવેલું બાયો ડિઝલનો જથ્થો ઝડપાયો હતો. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં બાયો ડીઝલ પંપની વાત કરવામાં આવે તો રાજકોટ અમદાવાદ હાઇવે પર છેલ્લા કેટલાક સમયથી બાયો ડીઝલ પંપ ચાલી રહ્યા છે.આમ બાયોડીઝલના હાટડાઓ પર રાજકોટમાં વધુ એક વખત તવાઈ બોલાવાઈ છે.