Mysamachar.in-રાજકોટ
અકસ્માતોની વધી રહેલી વણઝાર વચ્ચે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે ગોંડલના જામવાળી ગામ પાસે ઇનોવા કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પહેલા પ્લેઝર ચાલક મહિલાને અડફેટે લીધી હતી. બાદમાં ડિવાઇડર કૂદી સામેથી આવતા બાઇકને ફંગોળ્યું હતું. જેમાં બાઇકમાં સવાર બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે પ્લેઝરચાલક મહિલા શિક્ષક અને તેના પુત્રને ગંભીર હાલતમાં ગોંડલ ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.
પૂરપાટ ઝડપે દોડી આવતી ઈનોવા કાર GJ-03-LM-3177ના ચાલકે હોન્ડા GJ-3-HQ-9056 અને પ્લેઝર GJ-03-DC-3455ને અડફેટે લીધા હતા. ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં ચરખડી ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જયશ્રીબેન તેનો પુત્ર આરવને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા જ ગોંડલ પોલીસ દોડી આવી હતી. તેમજ હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી મૃતક બંને વ્યક્તિના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાને પગલે થોડીવાર માટે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. પોલીસે અકસ્માત થયો તે ત્રણેય વાહનો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.