Mysamachar.in-રાજકોટ
રાજ્યમાં ગુન્હાખોરીનો આંક દિવસે ને દિવસે ઉંચો જઇ રહ્યો છે, ત્યારે અલગ અલગ જિલ્લાઓની પોલીસ પણ આવા તત્વોને ઝેર કરવા અથાગ પ્રયાસો કરતા હોય છે, એવામાં રાજકોટ પોલીસને હાથ એક એવી ગેંગ લાગી છે કે જે ગેન્ગના સાગરીતોએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનમાં એમ અલગ અલગ જિલ્લાઓમાં બેંક તથા આંગડિયા પેઢી બહાર રેકી કરી લોકોનું ધ્યાન ભટકાવી ચોરી કરી નાસી જતી હતી. અત્યાર સુધીમાં આ ગેંગ દ્વારા 11 ચોરીમાં 45 લાખની તફડંચી કર્યાનું ખૂલ્યું છે. પોલીસે ગેંગના સગીર વયના આરોપી સહિત ચારની ધરપકડ કરી છે.
રાજકોટ રૂરલ પોલીસના હાથ ઝડપાઈ નાયડુ ગેંગ…. ઝડપાયેલા ચાર આરોપીમાં લાલુ ઉર્ફે સુનિલ ઐયર, હરીશ ઉર્ફે અરીશ નાયડુ, ગોપી લક્ષ્મણા નાયડુ અને એક સગીર વયના આરોપીનો સમાવેશ થાય છે. આ શખ્સોએ તેમના એક સગીર સાગરીત સાથે મળી વર્ષ 2020ના અંતમાં શાપર વેરાવળ વિસ્તારમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો અને ફરી એક વખત રાજકોટ વિસ્તારમાં ચોરી કરવા આવતા હોવાની હકીકતને આધારે પોલીસે વોચ ગોઠવી આ નાયડુ ગેંગના સગીર સહિત 4 શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે આ શખ્સો પાસેથી પલ્સર મોટર સાઇકલ, અને રોકડ રકમ સહિત કુલ 3 લાખ 26 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.
આ શખ્સો નાયડુ ગેંગના નામે ઓળખાય છે અને તેઓ બેંક તથા આંગડિયા પેઢી બહાર રેકી કરી લોકોની નજર ચૂકવી ચોરીના ગુનાને અંજામ આપતા હતા. આરોપીઓ કોઇ પણ જિલ્લામાં પ્રવેશ કરી બાદમાં મકાન ભાડે રાખી અને ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ રજૂ કરી OLX એપ્લિકેશન પરથી મોટર સાઇકલની ખરીદી કરતા હતા. બાદમાં રેકી કરી અને ચોરીના ગુનાને અંજામ આપતા હતા. ચારેય આરોપી કર્ણાટક રાજ્યના છે. રીઢા ગુનેગારો છે અને અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારની 11 ચોરી કર્યાની કબૂલાત આપી છે. જેમાં 45 લાખ જેટલી રોકડ રકમની ચોરી કરી હોવાનું ખૂલ્યું છે.
ચારેય આરોપીઓ સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ અને જયપુરમાં પણ ચોરીને અંજામ આપી ચૂક્યા છે. ચાર આરોપી પૈકી એક આરોપી વિરૂદ્ધ મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને ઝડપાયેલા શખ્સો વધુ પડતા રોકડ રકમ જેની પાસે હોય તેને જ વધુ ટાર્ગેટ કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે, પોલીસને આશા છે કે રિમાન્ડ દરમિયાન વધુ ગુન્હાઓનો ભેદ ખુલી શકશે.