Mysamachar.in-રાજકોટ
રાજકોટના ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર રામદ્વાર પાસે રાત્રિના દોઢ વાગ્યે એસ.ટી. બસ, ટ્રક તેમજ અન્ય એક વાહન ઉપર કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરતા ટ્રક અને બસના કાચનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. કોઈ અજાણ્યા ઈસમોએ લૂંટના ઈરાદે પથ્થરમારો કર્યો હતો. જેમાં ટ્રક ડ્રાઇવર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયો હતો. ભિલોડા એસ.ટી. ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા આદર્શસિંહ ઇન્દ્રસિંહ સોલંકી ભિલોડાથી સોમનાથ રૂટની એસ.ટી. બસ GJ18Z5005 લઈ પસાર થઇ રહ્યાં હતાં. ત્યારે ગોંડલ નજીક રામ દ્વાર પાસે ઓવરબ્રીજ ઉતરતા પથ્થરમારો થતાં બસના કાચ તુટી ગયો હતો.
અચાનક પથ્થરમારો થતા બસ ઉમવાડા ચોકડીએ લઈ જઈ ઊભી રાખી હતી. આ દરમિયાન GJ25T7609 ટ્રક પસાર થતા તેના ઉપર પણ પથ્થરમારો થતાં ટ્રકના ડ્રાઇવર રહીમભાઈ ભીખુભાઈ સોઢા (રહેવાસી-રાજકોટવાળા) ને દાઢીના ભાગે ઈજા થતાં સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતાં. બાદમાં બસના ડ્રાઈવર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે આઈપીસી કલમ 337 427 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ પથ્થરમારો ક્યાં ઈરાદાથી કરવામાં આવ્યો તે તપાસ હાથ ધરી છે.