Mysamachar.in-રાજકોટ
રાજ્યમાં અવારનવાર ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરો પર પોલીસ છાપેમારી કરીને પર્દાફાશ કરતી હોય છે, ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાં સૌથી મોટા કોલસેન્ટરનો ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે, રાજકોટમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે દેશના અલગ અલગ રાજ્યમાં શેરબજારમાં ડિમેટ એકાઉન્ટ ધરાવતા લોકોને છેતરતા કોલ સેન્ટરનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે 4 યુવતી સહિત 7 શખ્સોની ધરપકડ કરી છે. ફોરેક્સ ટ્રેડિંગના નામે બે ગેરકાયદે એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. શેરબજારમાં ડિમેટ ધરાવતાં હોય તેવા દેશભરના અલગ અલગ રાજ્યોના લોકોને અમારી એપ્લિકેશન કે જે ઓટોમેટિક ટ્રેડ થાય છે તેમાં રોકાણ કરવાથી સો ટકા ફાયદો થશે તેવી લાલચ આપી તેને છેતરીને નાણા પડાવી લેતા હતાં. બાદમાં કસ્ટમરનું એકાઉન્ટ બંધ કરી દેતા હતા.
રાજકોટ શહેરના સ્ટાર પ્લાઝા કોમ્પલેક્ષના ચોથા માળે ઓફિસ નં. 409 ઇન્સ્યોર કેર નામની ઓફિસમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યા હતા. આ ગુનામાં લતીફ ઇરશાદભાઈ નરીવાલા કોલ સેન્ટરમાં સંચાલક છે. અન્ય છ આરોપીઓમાં આમીર અમીનભાઈ નરીવાલા, નશરુલ્લાહ અસ્પાકભાઇ પારૂપીયા, કાજલ ભરતભાઈ મકવાણા, કોમલ હરેશભાઇ પ્રાગડા, પુજા રશીકભાઇ સોલંકી અને સાહીસ્તા વસીમભાઇ કુંપીનો સમાવેશ થાય છે.
આરોપીઓ પૂર્વયોજીત કાવતરાના ભાગરૂપે શેરબજારમાં ડિમેટ ધરાવતા લોકોના લીડ ડેટા મેળવી ભારતના અલગ અલગ રાજ્યમાં રહેતા નાગરિકોને સૌપ્રથમ કોલ સેન્ટર મારફતે કસ્ટમરને ફોન કરતા હતા. ફોનમાં મોબાઇલ એપ્લિકેશનમાં ટ્રેડ કરવાથી ચોક્કસ નફો થાય તેવું કહી વિશ્વાસમાં લેતા હતા. નફો થાય તેમાંથી 30 ટકા કમિશન આપવાનુ તેવી લાલચ આપી ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ, પાનકાર્ડ, બેંક ડિટેઇલ, અલગ અલગ વોટસએપ નંબરથી મેળવી લેતા હતા. બાદમાં 15 એકાઉન્ટમાં 15 હજાર જમા કરાવાનું કહેતા હતા. કસ્ટમરસ 15 હજાર જમા કરાવે પછી તેમાંથી પૈસા ઉપાડી લેતા અને એકાઉન્ટ બંધ કરાવી દેતા હતા.આમ આ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યા બાદ ક્યારથી આ કોલ સેન્ટર ચાલતું હતું, કેટલા લોકોની તેમાં સંડોવણી છે, તે તમામ બાબતોનો ક્યાસ કાઢવા પોલીસ મથી રહી છે.

























































