Mysamachar.in-રાજકોટ
આમ તો આપણે ત્યાં જેલોમાં કેદીઓને કેટલીય વસ્તુઓ પર પાબંધી છે, પરંતુ કેટલાય કિસ્સાઓમાં સામે આવી ચુક્યું છે કે જેલના અધિકારીઓ થી માંડીને સ્ટાફ કોઈને કોઈ લાલચે ફૂટી જાય છે, અને જેલને જેલ નહી પરંતુ “જલસા કેન્દ્ર” બનાવી દે છે, એવામાં થોડાસમય પૂર્વે ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ થયેલા નિખિલ દોંગા ગેંગ માટે ગોંડલની સબજેલને ‘જલસા જેલ’ બનાવવાના ગુનામાં છેલ્લા એક માસથી નાસતા-ફરતા જેલર ડી.કે.પરમારની ગોંડલ પોલીસે આજે ધરપકડ કરી છે. પોલીસે ડી.કે.પરમારની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. જેની સામે ગુજસીટોક લગાવવામાં આવ્યો છે તે નિખિલ દોંગા અને તેના 12 સહિતના સાગરીતો ત્યારે ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલી સબજેલને નિખિલ દોંગા ગેંગ માટે જલસા જેલ બનાવનાર જેલર ડી.કે.પરમારનું નામ ખુલતા તે ફરાર થઈ ગયા હતા. ડી.કે.પરમારને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
જો કે જેલર દ્વારા આગોતરા જામીન માટે અદાલતના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. પરંતુ તેને આગોતરા જામીન મળ્યા ન હતાં. આખરે જેલર પોલીસની ઝપટે ચડી જતા તેની ધરપકડ થઈ હતી. 2 મહિના પહેલા ગોંડલની સબજેલ ખાતે ગાંધીનગર અને અમદાવાદની જડતી સ્કોડે દરોડા પાડયા હતાં. નિખિલ દોંગા સાથે અન્ય બહારના 8થી 10 લોકો બગીચાના ગ્રાઉન્ડમાં કુંડાળુ વળી ખાણીપીણીની મોજ માણી રહ્યાંનું બહાર આવ્યું હતું અને ત્યારથી જેલર ડી. કે. પરમાર વિરુદ્ધ કેદીઓને સુવિધા પૂરી પાડવાના આરોપો લાગવાના શરૂ થયા હતા અને અંતે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.