Mysamachar.in-રાજકોટ
હનીટ્રેપની જાળમાં ક્યાંક ને ક્યાંક લોકો ફસાઈ રહ્યા છે, એવામાં એક વ્યક્તિ ભેસ લેવા માટે રાજકોટ આવ્યો હતો, તેનો ઈરાદો માત્ર ભેસ લેવાનો હતો પણ ટોળકીએ તેને ફસાવી અને 10 લાખની માંગણી કરતા મામલો પોલીસ સુધી પહોચ્યો છે, બનાવની વિગત કઈક એવી છે કે ગોંડલના શેમળા ગામે ખેતીકામ કરતા મગનભાઇ નામના આધેડ ખેડૂતે નોંધાવેલી ફરિયાદમાં, તેમને ભેંસની જરૂર હોય મૂળ શેમળાના અને રાજકોટના કોઠારિયા રોડ પર નરશી રામાણીની વાડીમાં રહેતા રણજિત ચના ગુજરાતીનો સંપર્ક કર્યો હતો. રણજિતે થોડા દિવસ બાદ વેચાઉ ભેંસ આવશે એટલે જાણ કરવાની વાત કરી હતી. બાદમાં રણજિતની પત્ની મીરાનો ફોન આવ્યો અને તેને તમે કેમ ન આવ્યા તેમ કહી અને ભોળી ભોળી વાતો કરી હતી,
ત્યાર બાદ તેને પોતાની જમીન, પરિવારની તેમજ અન્ય મિલકતોની માહિતી મેળવી લીધા બાદ તેની દાઢ ડણકી હતી,એવામાં ગત તા.7ની સવારે ફરી મીરાનો ફોન આવ્યો અને વાડીએ આવી જાવ એવી વાત કરી હતી. જેથી પોતે બપોરે રણજિત ગુજરાતીની વાડીએ પહોંચ્યા હતા. ત્યાં મીરા હાજર હોય તે વાડીમાં આવેલા એક અવાવરું મકાનમાં લઇ ગઇ હતી. મકાનમાં જતાની સાથે બે શખ્સ અંદર ઘૂસી આવી પોતાને માર મારવા લાગ્યા હતા. પોતે કંઇ સમજે તે પહેલા બંને શખ્સે દોરડાથી બાંધી દીધા હતા. શા માટે મારો છો તેવું પૂછતા તને બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની વાત કરતા મગનભાઈ ભારે મુંજવણમાં મુકાઈ ગયા હતા,
અને શખ્સોએ જો રૂ.10 લાખ નહીં આપે તો પોતે મીરાની છેડતી કરી છે તેવી કબૂલાતનો મોબાઇલથી વીડિયો પણ બનાવવા, પોતાને માર મારી હવે તો તારું ગુપ્તાંગ છરીથી કાપી જ નાંખવું છે તેવી ધમકી આપી હતી. જે ધમકીથી ગભરાઇને રૂપિયા આપશે તેમ કહ્યું હતું. બીજા દિવસે પૈસા આપી દેશેની વાત કરતા મીરાએ પોતે રૂ.10 લાખ માગતી હોય તેવા લખાણવાળા સ્ટેમ્પ પેપર પર હાથના અંગૂઠા મરાવ્યા હતા, બાદમાં તેને મુક્ત કર્યા હતા. મુક્ત થતાની સાથે આજી ડેમ પોલીસમથકના પી.આઈ.ચાવડાને સમગ્ર બનાવની વાત કરી હતી. તુરંત પોલીસ ટીમને કોઠારિયા રોડ, નરશી રામાણીની વાડીએ મોકલ્યા હતા.
જયાંથી મીરા અને તેના પતિ રણજિતને પકડી પાડ્યા હતા. દંપતીની પૂછપરછ કરતા અન્ય બે શખ્સમાં એક ગોંડલના પાંચિયાવદર ગામનો રણજિત ઉર્ફે રાણો ભીખુ ચાવડા અને બીજો રાજકોટના કોઠારિયા રોડ પર કાળુભાઇની વાડીમાં રહેતો હસમુખ હોવાનું જણાવ્યું છે. આજી ડેમ પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધી મોબાઇલ કબજે કર્યા છે. અને અન્ય બે આરોપીને પકડવા તેના આશ્રય સ્થાનો પર દરોડા પાડવા તજવીજ હાથ ધરી છે.