Mysamachar.in-રાજકોટ
આજના સમયમાં તસ્કરો પણ ટેકનોલોજીનો સહારો લઇ અને આધુનિક રીતે કેમ ચોરી કરી શકાય તેવા કીમિયા શોધી કાઢતા હોય છે, થોડા સમય પૂર્વે જ યુટ્યુબ પર બુલેટના લોક કઈ રીતે તોડી ને ચોરી કરી શકાય તે ચોરીનો પર્દાફાશ થયો હતો, તો આવો જ વધુ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે, જ્યાં રાજકોટ રૂરલ પોલીસે ભાયાવદર અને ઉપલેટામાંથી 2 શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. બંને શખ્સો ચોરી કરવા માટે GPS મેપનો ઉપયોગ કરતા હોવાનું પણ સામે આવ્યું છે,તો પોલીસ તપાસમાં આ શખ્સોએ માત્ર ભાયાવદર અને ઉપલેટામાં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર રાજ્ય સહિત 7 જગ્યા પર ચોરી કરી હોવાનું કબૂલ કર્યું છે. હાલ તો પોલીસે બંને આરોપીઓની આકરી પૂછપરછ હાથ ધરીને વધુ ગુન્હાઓનો ભેદ ઉકેલવાની દિશામાં કવાયત શરુ કરી છે,
રાજકોટ રૂરલ પોલીસને માહિતી મળી હતી કે, ભાયાવદર અને ઉપલેટા વચ્ચે ઝૂંપડામાં બે શખ્સો ચોરીના મુદ્દામાલના ભાગ પાડી રહ્યાં છે. જેથી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા આરોપી સાયમલ ઉર્ફે સાયમંડ ભાભોર અને કોલેજ ઉર્ફે કોયલો મીનાના નામના બંને શખ્સો પાસેથી ચોરી કરેલા 16 હજાર 300 રૂપિયા, 4 મોબાઈલ અને ચોરી કરવાના હથિયાર મળી આવ્યા હતા. જે પોલીસ જપ્ત કર્યા હતા. પોલીસ તપાસમાં બંને આરોપીઓએ તેના સાથીદાર જેન્તી જવસિંગ પલાસ સાથે મળી 7 ચોરી કરી હોવાનુ કબૂલ કર્યુ હતું. જેથી પોલીસે ત્રીજા આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આરોપી સાયમલ ઉર્ફે સાયમંડ ભાભોર સ્માર્ટ મોબાઈલનો ઉપયોગ કરતો હતો. જેથી કોઈ પણ ચોરીને અંજામ આપતા પહેલા તે GPS મેપથી ખેતરો નજીક આવેલી દુકાનો અને મકાન ચેક કરતો હતો અને ચોરી કર્યા બાદ ક્યાં રસ્તે ફરાર થવું તેનું GPS મેપથી જ રોડ મેપ તૈયાર કરી દેતા હતા. ઘરફોડ ચોરી કરવા માટે આરોપીઓ ડિસમિસ અને લોખંડના સળિયાનો ઉપયોગ કરતા હતા. પોલીસની તપાસમાં આરોપી સાયમલ ઉર્ફે સાયમંડએ ભાભોર મહારાષ્ટ્ર, દેવભૂમિ દ્વારકા અને ભાણવડમાં ચોરીના પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. જ્યારે આરોપી કોલેજ ઉર્ફે કોયલો ભાયાવદર અને જામનગરના જામ જોધપુરમાં ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. હાલ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.