Mysamachar.in-રાજકોટ
રાજ્યની કોવીડ હોસ્પિટલોમાં ફાટી નીકળતી આગ સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે, એક આગની જવાળાઓ માંડ બુઝાઈ છે ત્યાં જ કોઈ ને કોઈ જીલ્લામાં કોવીડ હોસ્પિટલોમાં આગ ફાટી નીકળે છે, એવામાં તાજેતરમાં જ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા કોરોનાના પાંચ દર્દી ભડથું થઈ ગયા હતા..જેની તપાસ હાલ ચાલી રહી છે. ઘટનાને 48 કલાક જેવો સમય વીતી ગયા પછી પણ પરિણામ શૂન્ય આવ્યું છે. હજુ સુધી આગ ક્યાં કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, આજે સર્કિટ હાઉસ ખાતે SITના અધિકારીઓ સાથે અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ સાથે બેઠક મળી હતી,
જે બાદ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં એ.કે. રાકેશે જણાવ્યું હતું કે, પ્રાથમિક રિપોર્ટ આજે સાંજ સુધીમાં આવી જશે. FSLના રિપોર્ટ આવે તે પહેલા કહેવું વહેલું ગણાશે. રાજકોટની અન્ય કોવિડ હોસ્પિટલમાં પણ ચેકિંગ શરૂ કરવાના આદેશ આપી દીધા હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી એ.કે. રાકેશે જણાવ્યું હતું કે, મેઈન જે FSL અને PGVCLનો રિપોર્ટ છે તેની અમે રાહ જોઈએ છીએ. રિપોર્ટ આવ્યા પછી જ ચોક્કસ તારણ પર પહોંચી શકાશે. કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનનું પ્રમાણ વધુ હોવાથી આગ ત્યાં ન લાગે તે માટે કાળજી લેવાની જરૂર છે. હવે માણસોની ટ્રેનિગ વધારે ચોક્કસાઈથી કરવામાં આવશે. તો હોસ્પિટલમાં વીજ કનેકશન, વીજ લોડ, ફાયર સેફ્ટીના સાધનો, આરોગ્ય વિભાગની જરૂરી મંજૂરી સહિતની તપાસ કરવામાં આવી રહી છે.
રાજકોટની આ ખાનગી હોસ્પિટલની આગનો પ્રાથમિક રિપોર્ટ આજે સાંજે આવી જશે અને ફાઈનલ રિપોર્ટ આવતા બે દિવસ જેટલો સમય લાગશે, કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે એટલે કોઈ જગ્યાએ લીકેજ થાય એટલે આગ લાગવાની શક્યતા વધી જાય છે. કોવિડના કોઈ ઈક્વિપમેન્ટમાં આગ લાગી હોઈ શકે છે. સ્પાર્ક ક્યાંથી થયો એ FSLના રિપોર્ટમા જ માલૂમ પડશે. કંઈ બનાવટના સાધનમાં આગ લાગી એ તપાસ ચાલુ છે. તેમજ ઓક્સિજન લિકેજ છે કે કેમ એ પણ તપાસ કરાવીશું. બ્લાસ્ટ ક્યાંય થયો હોય એવું લાગી રહ્યું નથી. પ્રાથમિક તપાસમાં આટલી માહિતી સામે આવી છે. ફાઇનલ રિપોર્ટ બે દિવસમાં આવશે, ICUમાં 8 બેડ હતા અને એલ એન્ડ ટી વેન્ટિલેટર આગમાં બળીને ખાખ થઈ ગયું છે. તેથી તેની બાજુમાં ક્યાંક આગ લાગી હોઈ શકે છે.