Mysamachar.in-રાજકોટ
ત્રણ દિવસ પૂર્વે રાજકોટ જિલ્લાના જેતપુરમાં ધોળેદિવસે સોની વેપારીની આંખમાં મરચું છાંટી 30 લાખની લૂંટની સનસનીખેજ ઘટનામાં લૂટ ચલાવનાર 4 આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડી લૂટના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે, લૂટના આ ગુન્હામાં રાજકોટ LCBએ સાકીર ખેડારા, સમીર ઉર્ફે ભડાકો કુરેશી, તુફેલ ઉર્ફે બાબો ખેડારા અને અકબર રીગડીયા નામના 4 આરોપીને કોઠારિયા સોલ્વન્ટમાંથી ઝડપી આપ્યાં છે. આરોપીએ CCTVમાં કેદ થાય તેવી જાણ હોવાથી ગાડીની નંબર પ્લેટ બેવડી વાળી દીધી હતી અને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુરમાં ત્રણ દિવસ પહેલા સોની બજારમાંથી મતવા શેરીમાં સોનાના દાગીના અને રોકડ મળી 30.40 લાખના મુદ્દામાલ ભરેલો થેલો લઇને જતા વેપારી ચીમનભાઇ કાળાભાઇ વેકરીયાને બાઇકમાં આવેલ બે શખ્સોએ આંતરી આંખમાં મરચાની ભૂકી છાંટી છરીની અણીએ સોનાના દાગીના અને રોકડ ભરેલો થેલો લૂંટી નાસી છૂટ્યા હતાં. જેથી પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે શોધખોળ શરૂ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ લૂંટનો પ્લાન શાકીર અને સમીર ઉર્ફે ભડાકાએ ઘડ્યો હતો. અગાઉ એક વર્ષ શાકીરને કોઇ બંગાળી વેપારીએ આ લૂંટની ટીપ આપી હતી, પણ જે તે વખતે તે અમલમાં મૂકી ન હતી.
પરંતુ બાદમાં શાકીરે પૈસાદાર થવાં માટે સમીરની મદદથી આ લૂંટનો પ્લાન અમલમાં મુક્યો હતો. લૂંટમાં વપરાયેલ બાઇક અકબરની માલીકીનું છે. લૂંટ કર્યા પૂર્વે બાઇકમાં ચાર નંબર પૈકી બે નંબર કાઢી નાખ્યા હતા. જેથી બાઇક નંબર ઉપરની ઓળખ ન થાય. હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.પરંતુ ગુન્હેગાર ગમે તેટલી ચાલાકી વાપરે પરંતુ પોલીસ માટે એકાદ કડી કયાંક ને કયાંક છૂટી ગઈ અને આ ગેંગ પોલીસના હાથમાં આવી જતા પોલીસે આ લૂટનો ભેદ ઉકેલી નાખ્યો છે.