Mysamachar.in-રાજકોટ
ચોર અને ચોરીના ખાસ્સા કિસ્સાઓ રાજ્યમાં સામે આવતા હોય છે. જેમાં ક્યારેક મજબૂરીથી તો ક્યારેક મોજશોખ માટે ચોરી કરાઈ હોય છે. ચોરી સમાન્ય રીતે તો યુવાનો અને આધેડ વયના કરતાં હોય છે. પરંતુ આ તો તરુણો કરે છે ચોરી.. રાજકોટમાં ભકિતનગર વિસ્તારના રહેવાસીઓના ફળીયા તથા એપાર્ટમેન્ટમાંથી મોંઘીદાટ સાઇકલો છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવો વધી રહ્યા હતા, જે બાદ પોલીસ આવા તસ્કરોની શોધમાં હતી તેમાં અંતે ટાબરિયા ગેંગ પોલીસને હાથ લાગી છે,રાજકોટના ભકિતનગર અને માલવીયાનગરના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી એકાદ લાખથી વધુની કિંમતની વીસેક જેટલી એ-વન, હોરી, કોરાડો, હગ, સનક્રોસ, સ્પોર્ટન, હરકયુલિયીસ સહિતની કંપનીની મોંઘી સાઇકલોની ચોરી થઈ હતી.
આ ચોરીનો ભેદ પોલીસે ઉકેલતાં 13 અને 14 વર્ષની વયના બે ટાબરીયાઓની ધરપકડ કરી લઇ રૂપિયા એક લાખ છ હજારની વીસેક જેટલી સાઇકલો કબ્જે કરી છે. પોલીસની બંને છોટા ચોરોની પૂછપરછ કરી ત્યારે તેઓ મોજશોખ પુરા કરવા માટે ચોરીના રવાડે ચડ્યા હોવાનું પોલીસ સમક્ષ કથન કર્યું હતું, આ મોંઘીદાટ સાઇકલો ચોરીને તેઓ માત્ર 500 થી 1000 રૂપિયામાં વેંચી નાંખતા હતાં. ઝડપાયેલા બંને સગીરો અલગ-અલગ વિસ્તારમાં પગપાળા જઇ રેકી કરતાં. પછી ફળીયા કે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લોક વગરની સાઇકલ હોય તે ઉઠાવી લેતાં હતાં. આ સાઇકલોમાં જે મોંઘી સાઇકલો હોય એની જ આ ટોળકી ચોરી કરતી. ત્યારબાદ તે સાઇકલ માત્ર 500 થી 1000માં વેંચી દેતાં હોવાનું ખુલ્યું છે.