Mysamachar.in-રાજકોટ
રાજયમાં સમયાંતરે હ્યુમન ટ્રાફિકિંગના કિસ્સાઓ સામે આવતા હોય છે, અને પોલીસ તેમાં ઊંડાણપૂર્વકરસ દાખવી અને આવા કિસ્સાઓનો પર્દાફાશ પણ કેટલાય કિસ્સાઓમાં કરતી હોય છે, આવો જ રાજકોટ શહેરનો દોઢેક વર્ષ પૂર્વે શાસ્ત્રીમેદાન સામે ફૂટપાથ પરથી શ્રમિક પરિવારના એક વર્ષના બાળકનું અપહરણ થયાનો કિસ્સો બહાર આવ્યો હતો, જેની તપાસ દરમિયાન બાળ તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે આ કેસમાં દ્વારકાના દંપતી તથા જામનગરમાં રહેતી એક મહિલાને ઝડપી લઈ એક વર્ષના બાળકને મુક્ત કરાવી તેના પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે.
સલમા નામની મહિલાએ દ્વારકાના સલીમ સુંભાણીયા અને તેની પત્ની ફરીદા સુભાણીયા મારફત દોઢેક વર્ષ પહેલાં રાજકોટમાં શાસ્ત્રીમેદાન સામે ફૂટપાથ પરથી મધ્યપ્રદેશ જાંબુવાના વતની શ્રમિક પરિવારના એક વર્ષના બાળકનું અપહરણ કરાવ્યું હતું અને તેના બદલામાં એક લાખ રુપિયા આપ્યા હતા. બાદમાં આ મહિલા પોતાના પૂર્વ પતિ પાસે પૈસાની લાલચે ચાલી ગઈ હતી અને આ બાળક તેનું હોવાનું કહી તેની સાથે રહેવા લાગી હતી. એક વર્ષના આ બાળકના અપહરણની બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી.અને અંતે જામખંભાળિયામાંથી બાળકને હેમખેમ શોધી કાઢવામાં આવ્યું છે.
બાળ તસ્કરોની ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરતા સામે આવ્યું છે કે, સલીમ અને ફરીદાએ બાળકની તસ્કરી કર્યા બાદ આ બાળકનું નવું નામ જયદીપ રાખી આ બાળક સલમાની કુખે નાથાલાલથી જન્મેલ હોવાનું સાબિત કરવા માટે જામનગર ખાતે વકીલ-નોટરી સમક્ષ ખોટુ એફીડેવીટ કરી જામનગર મહાનગરપાલિકા ખાતે રજીસ્ટ્રેશન કરાવી તેનો દાખલો પણ મેળવી લીધો હતો. બાદમાં સલમા તેના પૂર્વ પતિ નાથા સોમૈયા પાસે આ બાળક તારું છે તેમ કહી ફરી તેના ઘરમાં રહેવા લાગી હતી.
રાજકોટ પોલીસ પોલીસે માહિતી આપતા કહ્યું કે સલમાના પૂર્વ પતિ ખંભાળિયામાં રહેતા નાથાભાઈ સોમૈયાએ જમીન વેચી હોય અને તેના બે કરોડ રુપિયા આવ્યા હોવાની જાણ સલમાને થઇ હતી ત્યારે તેણે પતિથી છૂટાછેડા પણ લઇ લીધા હતા પરંતુ આ વાતની જાણ થયા બાદ તેણે પતિની મિલ્કત પચાવવાના ઇરાદા સાથે બાળ તસ્કરીનો પ્લાન ઘડયો હતો અને ચોરી કરેલું આ બાળક પતિનું હોવાનું કહી તેમના ઘરમાં રહ્યા બાદ તેમની મિલ્કત પોતાના નામે કરી લેવાનો સલમાનો પ્લાન હતો,
આ બાળ તસ્કરીમાં પકડાયેલ ફરીદા અને સલીમ તેમજ સલમાએ મળી ઇકો કારમાં જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે, રાજકોટમાં સાંઢીયા પૂલ, બસ સ્ટેશન, શાસ્ત્રીમેદાન, ચોટીલા તળેટી સહિત અલગ અલગ સમયે 10 થી 15 દિવસ રુપાળુ બાળક શોધવા રેકી પણ કરી હતી. આ દરમિયાન શાસ્ત્રીમેદાન પાસે ફૂટપાથ પર આ એક વર્ષનું નજરે પડી જતાં બાળક ત્રણ-ચાર દિવસ સુધી આ બાળક પર વોચ રાખ્યા બાદ મોડીરાત્રિના ઇકોમાં તેનું અપહરણ કરી જામનગર લઇ ગયા હતા.
દરમિયાનમાં ક્રાઈમ બ્રાંચની ટીમે આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને આ પ્રકરણમાં દ્વારકાના ફૂલવાડી વિસ્તારમાં રહેતા સલીમ હુસેન સુભાણીયા તેની પત્ની ફરીદા સલીમ સુભાણીયા અને મૂળ જામનગરની વતની અને હાલ ખંભાળિયામાં રહેતી ફાતીમા ઉર્ફે સલમા ઉર્ફે સીમા કાદરીને ઝડપી લઇ જામખંભાળિયામાંથી બાળકને હેમખેમ શોધી કાઢી તેના પરિવારજનોને સોંપવા તજવીજ શરૂ કરી છે. તેમજ બાળ તસ્કરીના આ કૌભાંડનો પર્દાફાશ કરનાર ક્રાઈમ બ્રાંચની ટીમને પોલીસ કમિશનરે 15,000ના ઈનામની જાહેરાત પણ કરી છે.