Mysamachar.in-રાજકોટ
રાજકોટ સિવિલ હૉસ્પિટલની એક પછી એક બેદરકારીઓ સામે આવી રહી છે. છેલ્લા બે દિવસમાં બનેલા બનાવોમાં રાજકોટ સિવિલ હૉસ્પિટલ વિવાદોમાં સપડાઈ છે, હોસ્પીટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીને માર મારવામાં આવ્યાનો વીડિયો વાયરલ થયા બાદ ચકચાર મચી હતી. જે બાદમાં માલુમ પડ્યું હતું કે આ દર્દીનું 12મી સપ્ટેમ્બરના રોજ મોત થયું છે. આ બાબતે મૃતકના નાનાભાઈએ આક્ષેપ લગાવ્યો છે કે, તેના ભાઈનું મોત કોરોનાથી નહીં પરંતુ સિવિલમાં માર મારવાથી થયું છે.
આ મામલો હજુ પૂર્ણ નથી થયો ત્યાં જ અકસ્માતમાં મોતને ભેટેલા એક વ્યક્તિનો મૃતદેહ તેમના પરિવારજનોને પોસ્ટ મોર્ટમ વગર જ સોંપી દેવામાં આવ્યો છે. પછી પોલીસે ફોન કરીને મૃતદેહ પરત મંગાવતા આ મામલો છતો થયો, આ દરમિયાનમાં મૃતકના પરિવારજનો મૃતદેહ લઈને અંતિમવિધિ માટે ગોંડલ પહોંચી ગયા હતા. બટુકભાઈ નામના વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. બટુકભાઈનો મૃતદેહ સોંપતી વખતે હૉસ્પિટલે એક ચીઠ્ઠી પણ આપી હતી. પરંતુ મૃતદેહ 40 કિલોમીટર દૂર પહોંચી ગયા બાદ હૉસ્પિટલને બોડીનું પોસ્ટમોર્ટમ ન થયાનું ખ્યાલમાં આવ્યું હતું અને અંતિમવિધિમાંથી પોલીસે દ્વારા ફોન કરાવી મૃતદેહ પરત મંગાવ્યો હતો. તંત્રના આવા આદેશ બાદ પરિવારજનોમાં રોષની લાગણી ફેલાઈ હતી.
આ મામલે જ્યારે મૃતકના પરિવારજનોએ હૉસ્પિટલ તંત્રને ફરી સામો ફોન કર્યો ત્યારે પોસ્ટ મોર્ટમ વગર મૃતદેહ સોંપી શકાય નહિ માટે પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ પરત લાવવો પડશે. ત્યારે પરિવારજનોએ કહ્યુ કે, તમે કાયદેસરની વિધિ કરીને મૃતદેહ સોંપ્યો છે તો શા માટે પરત મંગાવી રહ્યા છો ? તમે અમને ચીઠ્ઠી લખીને જ રજા આપી છે. આ ઉપરાંત અમે મૃતદેહને બળજબરીથી પણ નથી લઈ ગયા. આ વખતે હૉસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું કે, મોતનું કારણ અને બધું લખવું પડે છે. નિયમ પ્રમાણે પોસ્ટ મોર્ટમ થવું જોઈએ. આ ઉપરાંત તમારે ડેથ સર્ટિફિકેટ જોઈતું હોય તો આ પ્રક્રિયા પૂરી કરવી પડશે.
અકસ્માત બાદ દર્દીનો મૃતદેહ સોંપતી વખતે પરિવારના લોકોને સિવિલ તરફથી ડિસ્ચાર્જની એક ચીઠ્ઠી પણ આપવામાં આવી હતી. કાયદેસરની વિધિ કરીને મૃતદેહ સોંપ્યો હોવા છતાં આવી સિવિલ હોસ્પીટલની આવી ઘોર બેદરકારીના પરિણામે પૂરો પરિવાર પરેશાન થયો હતો અને મૃત્યુનો મલાજો પણ ન જળવાયો હતો. આમ રાજકોટ સિવિલ હૉસ્પિટલ તેની બેદરકારી મુદ્દે હંમણા અવિરત ચર્ચામાં છે. તેમજ જાણે તે બેદરકારીનો અડ્ડો બની રહી હોય તેવું લાગી રહ્યું છે.