Mysamachar.in-રાજકોટ
આજના આધુનિક યુગમાં પણ હજુ અંધશ્રધ્ધા કેટલાય લોકો પર ઘર કરી ગઈ હોય તેમ લાગે છે, અને આવી જ આશંકા સાથે એક નિર્દોષ નાની ફૂલ જેવી બાળકીની હત્યાની ઘટના રાજકોટમાં સામે આવી છે, રાજકોટ શહેરના પુનિતનગર પાસે નવી બની રહેલી વૃંદાવન ગ્રીનસિટી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા આદિવાસી પરિવારની છ વર્ષની બાળકી ગુરૂવારે બપોરે લાપતા થયા બાદ શુક્રવારે સવારે તેની સાઇટ નજીક આવેલી ઓરડીમાંથી ગળું કાપેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે, બાળકીની ઘાતકી હત્યા પાછળ અંધશ્રધ્ધા અને બાળકીની હત્યા બલી ચડાવ્યાની દ્રઢ શંકા સેવાઇ રહી છે. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા અલગ અલગ પાસાઓ પર તપાસ શરુ કરી છે,
વૃંદાવન ગ્રીનસિટીમાં મજૂરી કામ કરતાં દાહોદના નીસમ ગામના અરવિંદ રસિયાભાઇ અમલીયારની છ વર્ષની પુ્ત્રી નેન્સી ગુરૂવારે બપોરે 3 વાગ્યાના અરસામાં સાઇટ નજીક રમતા રમતા લાપતા થઇ ગઇ હતી, અમલીયાર પરિવાર અને સાઇટ પર કામ કરતાં અન્ય લોકોએ બાળકીની શોધખોળ શરૂ કરી હતી પરંતુ ક્યાંય પતો નહી લાગતાં મોડીસાંજે આ અંગે જાણ કરાતા તાલુકા પોલીસે અરવિંદની ફરિયાદ પરથી બાળકીના અપહરણ અંગેનો અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તાલુકા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી, શુક્રવારે સવારે સાઇટ પર જ કામ કરતી એક મહિલા સાઇટથી થોડે દૂર આવેલી એક ઓરડીમાં ગઇ ત્યારે નેન્સીની ગળું કપાયેલી હાલતમાં લાશ જોવા મળતા તે ચીસો પાડવા લાગી હતી, સ્થળ પર હાજર પોલીસ ઓરડીમાં જતાં જ બાળકીની લોહિયાળ હાલતમાં લાશ મળી આવી હતી અને લાશની બાજુમાંથી જ હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી પણ મળી આવી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.
માસૂમ બાળકીની હત્યા કોણે અને શા માટે કરી? તે મહત્વનો મુદ્દો બન્યો હતો. પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. છેલ્લા ચાર મહિનામાં વતનમાં અમલીયાર પરિવારના ચાર બાળકોના બીમારીથી મૃત્યુ થયા હતા અને થોડા દિવસ પહેલા બકરા અને ભેંસના પણ મોત થયા હતા. અને અરવિંદની એક બહેન હાલમાં પણ ગંભીર રીતે બીમાર છે. પરિવાર પર કુદરત કોપાયમાન થયો હોવાની અને તે માટે અંધશ્રધ્ધાથી પ્રેરાઇને માસૂમ નેન્સીને જવાબદાર ઠેરવી તેની હત્યા કરાયાની શંકા સેવાઇ રહી છે. જો કે માસૂમ બાળકીની ક્રૂરતાથી કરવામાં આવેલી હત્યા પાછળ અંધશ્રધ્ધા કારણભૂત હોવાની પોલીસને દ્રઢ શંકાછે, આ ઉપરાંત પોલીસ અન્ય કેટલીક દિશા પણ ચકાસી રહી છે.